વડોેદરા, તા. ૨૪

દરજીપુરા વિસ્તારમાં આવેલ એરફોર્સ સ્ટેશનમાં બે દિવસ પહેલાં વહેલી સવારે દિપડો દેખાયા બાદ વન વિભાગ દ્વારા તેમજ જીવદયા પ્રેમી સંસ્થા દ્વારા શોધખોળ કરતા દિપડાના પગલાં પણ મળ્યા હતા. જેથી તાત્કાલિક ઘોરણે વન વિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવ્યા હતા અને ટીમ બનાવીને શોધખોળ પણ હાથ ધરવાંમાં આવી હતી. બાદમાં ગત મોડી રાત્રે દિપડો રહેણાંક વિસ્તારમાં આવતાની સાથે જ પાંજરે પુરાયો હતો. બે દિવસની ભારે જહેમત બાદ આખરે દિપડો પાંજરે પુરાતા રહેવાસીઓમાં રાહતનો અનુભવ જાેવા મળ્યો હતો. એક તરફ એરફોર્સ સ્ટેશને દિપડો પાંજરે પુરાયો હતો જ્યારે સિંકદરપુરા ખાતે એક દિપડાએ ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો.

બે દિવસ પહેલાં દરજીપુરા એરફોર્સમાથી સવારે સાડા ચાર વાગ્યે એક સિક્યોરીટી ગાર્ડે દિપડાને જાેતા હેમંત વઢવાણા અને વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક પગલાં હાથ ધરીને રહેણાંક વિસ્તારમાં તેમજ એરફોર્સ સ્ટેશનમાં પાંજરા મુકવામાં આવ્યા હતા. તે સિવાય વન વિભાગ દ્વારા રેસ્કયુ ટીમ બનાવીને શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી. બે દિવસની ભારે જહેમત બાદ ગત મોડી રાત્રે દિપડો પાંજરે પુરાયો હતો. પાંજરે પુરાયેલા દિપડાને વન વિભાગ દ્વારા જાબુંઘોડાના જંગલોમાં છોડી મુકવામાં આવ્યો હતો.

રહેણાંક વિસ્તારમાં વધુ ત્રણ દિપડાંઓ લટાર મારી રહ્યા હોવાની શંકા

એરફોર્સ સ્ટેશન સિવાય પણ આજવાના વિવિધ ગામો પાસે તેમજ શહેરી વિસ્તારોમાં દિપડાં લટાર મારી રહ્યા હોવાની શંકા લોકોમાં જાેવા મળી હતી. વિવિધ રહેણાંક વિસ્તારોમાં એક માંદા અને ત્રણ નર દિપડાં હોવાની વાત વહેતી થઈ હતી.