અમદાવાદ-

ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. જો કે આ પહેલા જ કોંગ્રેસ પાર્ટીને મોરબી બેઠક પર મોટો ઝટકો લાગ્યો છે.

વિધાનસભાની પેટાચૂંટણી પહેલા મોરબીમાં કોંગ્રેસ પાર્ટીથી નારાજ જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. મળતી માહિતી મુજબ, કિશોર ચીખલીયાએ પોતાને મોરબી બેઠક પર ટીકીટ ન મળતા આ પગલું ભર્યું છે અને અંતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ દ્વારા જયંતિ પટેલને ઉમેદવાર બનાવતા કિશોર ચીખલીયા સંપર્ક વિહોણા બન્યા હતા. જો કે આખરે ટિકિટ ન મળતા નારાજ કિશોર ચીખલીયા ભાજપમાં જોડાઇ ગયા છે. આ પહેલા પણ કોંગ્રેસ પાર્ટીના નેતા કૈલાશ ગઢવી પર પાર્ટી દ્વારા આપવામાં આવેલી ટિકીટને લઈ નારાજગી વ્યક્ત કરી હતી અને ત્યારબાદ તેઓને પણ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું.