વડોદરા, તા.૧૪

રાજકીય ક્ષેત્રે કારકિર્દીનું સીમાચિહ્ન રૂપ પદ હાંસલ કરવા ઘાંઘા થયેલા વડોદરાના એક જાણીતા ટિકિટવાંછુએ વિધાનસભા બેઠકની ટિકિટ મેળવવા પ્રદેશકક્ષાના એક કદાવર નેતાને અત્યંત મોંઘીદાટ એવી ‘રેન્જ રોવર’ કાર ભેટમાં આપી હોવાની ચોંકાવનારી બાબતે જાણકારોમાં ચકચાર જગાડી છે.

નીતિમત્તા અને મૂલ્યોની ગુલબાંગો હાંકતા ટિકિટવાંછુ જાણે પોતાની કારકિર્દી માટે આ છેલ્લી તક છે એમ માની ટિકિટ મેળવવા આકાશ-પાતાળ એક કરી રહ્યા છે. એટલું જ નહીં, જેને સ્પષ્ટપણે ‘લાંચ’ કહેવાય એવી મોંઘીદાટ કાર ભેટ આપવા સુધીની કક્ષાએ જતાં પક્ષના જાણકાર મોવડીઓ પણ હલબલી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ‘રેન્જ રોવર’ નામની આ કાર રૂા.૭પ લાખથી માંડીને ૪.પ૦ કરોડ સુધીની કિંમતની હોય છે. આ ટિકિટવાંછુએ કયું મોડેલ અને કેટલી કિંમતની ‘રેન્જ રોવર’ આપી છે તે અંગે અટકળો ચાલી રહી છે.

મહત્ત્વની વાત તો એ છે કે આ મોંઘીદાટ ‘ભેટ’ પછી પણ આ ઉમેદવાર ટિકીટ મેળવવામાં નિષ્ફળ રહ્યાં છે.