બેઇજિંગ-

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ટીમ વુહાનના કોરોનાની એ હોસ્પિટલમાં પહોંચી કે જ્યાં કોરોના વાયરસના પહેલા દર્દીની સારવાર કરવામાં આવી હતી. ત્યાં જઈને આ ટીમે કોરોનાને લગતા પ્રશ્નો પૂછ્યા. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાની ટીમે શુક્રવારે વુહાનની હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં ચીનના જણાવ્યા મુજબ, એક વર્ષ પહેલા કોવિડ -૧૯ ના પ્રથમ દર્દીની સારવાર કરવામાં આવી હતી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોના આખા વિશ્વમાં કેવી રીતે ફેલાય છે તેની માહિતી મેળવવાનું શરૂ કરી રહ્યું છે. હોસ્પિટલની મુલાકાત પહેલાં આ ટીમના સભ્યો ચીની અધિકારીઓ સાથે રૂબરૂ મળ્યા હતા. આ ટીમ આગામી દિવસોમાં વુહાનમાં ઘણા સ્થળોની મુલાકાત લેશે. હોલેન્ડના વાયરસ કેસના વૈજ્ઞાનિક મારિયન કુપમાન્સે સવારે ટ્‌વીટ કર્યું હતું કે ‘મે મારા સાથીદારો સાથે મુલાકાત કરી.’ ચીન આવ્યા પછી ૧૪ દિવસ સુધી આ ટીમ ક્વારેન્ટાઇનમાં હતી અને ગુરુવારે તેમનો આ સમય પુરો થયો.

ચીનના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના પહેલા દર્દીની સારવાર ‘હુબેઇ પ્રોવેંશિયલ હોસ્પિટલ ઓફ ઈન્ટિગ્રેટેડ ચાઇનીઝ એન્ડ વેસ્ટર્ન મેડિસિન’માં કરવામાં આવી હતી. કોવિડ -૧૯ નો પહેલો કેસ અહીં ૨૭ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ સામે આવ્યો હતો. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાએ અગાઉ જણાવ્યું છે કે ટીમે કોરોના સંબંધિત વિગતવાર ડેટા માંગ્યો છે અને તે કોવિડ -૧૯ના પ્રારંભિક દર્દીઓ અને તેમની સારવાર કરનાર હુનાન સીફૂડ માર્કેટ, વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી અને વુહાન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલની પ્રયોગશાળા સાથે મુલાકાત કરશે.