માલી -

પશ્ચિમ આફ્રિકન દેશ માલીની સરકારે દાવો કર્યો છે કે તેની એક મહિલા નાગરિકે એકસાથે નવ બાળકને જન્મ આપ્યો છે. મહિલાને વધુ સારી સારવાર માટે મોરક્કો લાવવામાં આવી હતી. જોકે, મોરક્કોના અધિકારીઓએ હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી કરી. એકસાથે નવા બાળકને જન્મ આપવાની વાતને ખૂબ જ દુર્લભ ગણવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાની તબિયત હાલ સ્થિર છે.


માલી સરકાર 25 વર્ષની હલીમા સિસેને સારી સારવાર માટે 30 માર્ચના રોજ મોરક્કો લાવી હતી. શરુઆતમાં માનવામાં આવી રહ્યું હતું કે, મહિલા સાત બાળકને જન્મ આપશે. જોકે, સાત બાળકને એકસાથે જન્મ થાય તે વાત દુર્લભ છે, પરંતુ એકસાથે નવ બાળક જન્મે તે વાત અતિ દુર્લભ ગણાય છે. જ્યારે મોરક્કોના અધિકારીઓએ આ વાતની કોઈ જાણકારી હોવા અંગે ઇન્કાર કરી દીધો છે.સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા રાશિત કૌધારીએ કહ્યુ કે, તેમને દેશની કોઈ હૉસ્પિટલમાં આવા જન્મની કોઈ જાણકારી નથી. જ્યારે માલી સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સિસેએ સિઝેરિયન દ્વારા પાંચ બાળકી અને ચાર બાળકને જન્મ આપ્યો છે. એએફપી સાથે વાતચીતમાં સ્વાસ્થ્ય મંત્રી ફેન્ટા સિવીએ કહ્યુ કે, 'માતા અને બાળકોની હાલત હજુ સુધી સારી છે.'

સિવીએ જાણકારી આપતા કહ્યુ કે, મહિલા થોડા દિવસ પછી પોતાના ઘરે પરત ફરશે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ડૉક્ટર્સ સિસેની સાથે સાથે બાળકો બચી જશે તે વાતને લઈને ચિંતત છે. માલીના સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં દાવો કર્યો છે કે માલી અને મોરક્કો બંને જગ્યાએ થયેલા અલ્ટ્રાસાઉન્ડમાં માલુમ પડ્યું હતું કે મહિલા સાત બાળકને જન્મ આપવાની છે.