વડોદરા, તા.૭

આજે સવારે અટલાદરા રોડ પર નારાયણ વાડી પાસે ત્રણ વાહનોનો અકસ્માત થતાં બાઈકસવાર ૨૨ વર્ષીય યુવાનનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે ઓટોરિક્ષાચાલકને સાધારણ બીજા થવા પામી હતી. અકસ્માતના બનાવને પગલે માંજલપુર પોલીસ બનાવસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ વડોદરા તાલુકાના સમિયાલા ગામે રહેતો તોકીર હુસેન અકીર હુસેન સૈયદ (ઉં.વર્ષ ૨૨) ખાનગી ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. આજે સવારે તે બાઈક ઉપર રાબેતા મુજબ સમિયાલા ગામથી વડોદરા તરફ આવી રહ્યો હતો, તે વખતે અટલાદરા નારાયણ વાડી પાસે પાછળથી આવતી કારચાલકે બાઈકને ટક્કર મારી હતી. સામેથી આવી રહેલ રિક્ષાચાલકે બાઈકને બચાવવા જતાં રિક્ષા પણ પલટી મારી ગઈ હતી. આ જગ્યાએ એકસાથે ત્રણ વાહનોના અકસ્માત થતાં બાઈકસવાર તોકીર હુસેન સૈયદને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માત મોતના બનાવને પગલે લોકટોળા એકત્રિત થઈ ગયાં હતાં. જાે કે કારચાલકે માનવતા દાખવી કાર રોડની સાઈડ ઉપર ઊભી રાખીને ઇજાગ્રસ્ત તોકીર હુસેનની મદદથી દોડી આવ્યો હતો અને તેને પોતે જ આકસ્માતના બનાવની જાણ પોલીસને કરી હતી. જેથી માંજલપુર પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને ખાનગી સેવા સંસ્થાની એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. આ અકસ્માતના બનાવની પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.