વડોદરા, તા.૩૦

શહેરના જીઆઈડીસી પાણીની ટાંકીના મુખ્ય માર્ગ પર પતંગના ધારદાર દોરાથી બાઈક સવાર યુવક લોહીલુહાણ બન્યો હતો. પતંગનો દોરો બ્લેડની યુવકના ગળા પર ફરી જતા લોહીનું રીતસરનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. વધારે પ્રમાણમાં લોહી નીકળી જવાને લીધે યુવક ચક્કર ખાઈને રસ્તા પર પટકાયો હતો. યુવકની મદદે દોડી આવેલા લોકોએ એને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં તેનાં ગળા પર ૨૫થી ૩૦ ટાંકા લેવામાં આવ્યા હતા. હાલમાં યુવકની હાલત ગંભીર છે અને તેને ઓબઝર્વેશન માટે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.

શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા કલ્યાણ નગરના સાંઈબાબા મંદિર પાસે રહેતો વિપુલ શાંતિલાલ પટેલ (ઉં.વ.૪૨) વાઘોડિયાની અપોલો ટાયર્સ કંપનીમાં નોકરી કરે છે. છેલ્લા ત્રણેક દિવસથી તેને તાવ આવતો હોવાથી તે ઘરે જ હતો. આજે તે બાઈક લઈને ડોક્ટરને ત્યાં દવા લેવા નીકળ્યો હતો. તે સમયે મકરપુરા જીઆઈડીસી પાસેની પાણીની ટાંકી નજીકથી પસાર થતી વખતે અચાનક તેનાં ગળામાં પતંગનો ધારદાર દોરો ફસાયો હતો. વિપુલ કંઈ સમજે તે પહેલા તો ધારદાર દોરાએ બ્લેડની જેમ એના ગળા પર ઊંડો ઘસરકો મારી દીધો હતો. આ સાથે જ વિપુલના ગળામાંથી લોહીની પિચકારી ઉડી હતી અને તે રસ્તા પર પડી ગયો હતો. એના ગળામાંથી લોહીનો રીતસરનો ધધૂડો પડવા લાગ્યો હતો.

એની આવી સ્થિતિ જાેઈને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તેમણે વિપુલના ગળામાં કપડું બાંધીને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી. જાેકે, એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા તો વિપુલની આસપાસ લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. જેમ જેમ સમય વિતતો હતો. તેમ તેમ વિપુલની સ્થિતિ વધારે ગંભીર થતી હતી. આખરે, ૧૦૮ એમ્બ્યુલન્સ આવી હતી અને એને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તાત્કાલિક એને આઈ.સી.યુમાં લઈ જવાયો હતો અને એને ગળામાં ટાંકા લેવાની શરૂઆત કરાઈ હતી. ડોક્ટરોએ વિપુલના ગળામાં ૨૫થી ૩૦ ટાંકા લીધા હતા. હાલમાં એને ઓબઝર્વેશન માટે આઈ.સી.યુમાં દાખલ કરાયો છે. હાલમાં તેની તબીયત નાજુક હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતુ ં.