મહેસાણા : મહેસાણા ખાતે વાલ્મિકીનગર પાછળ ઠાકોરવાસમાં રહેતો ૪૫ વર્ષીય કાંતિજી ઠાકોર બપોરના અરસામાં ઘરથી નજીકમાં આવેલ તળાવમાં ન્હાવા માટે પડ્યો હતો. જાે કે, તરતા આવડતું હોવાથી યુવાન લાંબો સમય તળાવમાં રહ્યો હતો. જાે કે, તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થયા બાદ યુવાન અડધો કલાક સુધી બહાર ન આવતા તળાવ પાળે બેઠેલા યુવાને બુમાબુમ કરી મુકી સ્થાનિકોને બોલાવતા સ્થાનિક લોકોએ મહેસાણા નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરી હતી. મહેસાણા ફાયર ટીમના લાશ્કરો રેસ્કયુ ટીમ સાથે બનાવના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડના લાશ્કરો સાથે સ્થાનિક તરવૈયાઓની મદદથી તળાવમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ તળાવમાં ગરકાવ થઇ ગયેલા યુવાનનો મૃતદેહ શોધી બહાર કાઢવામાં આવ્યો હતો. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે મૃતકનો પરિવાર ભારે આક્રંદ સાથે શોકમય બન્યો હતો, ઘટના અંગે મળતી માહિતી મુજબ તળાવમાં ડૂબી ગયેલા યુવકને તરતા આવડતું હોવા છતાં પાણીમાં કેવી રીતે ડૂબ્યો તે બાબતની ચર્ચાએ લોકોમાં શંકાનું સ્થાન લીધું હતું. આ અંગે પોલીસ ઝીણવટીભરી તપાસ કરે તો સાચી હકીકત બહાર આવે તેમ છે.