લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, એપ્રીલ 2026 |
2277
પ્રેમલગ્નનાં બે જ વર્ષમાં લડાઈ ઝઘડો કરવા માંડેલી પત્નીનાં ત્રાસથી કંટાળી યુવકે ટ્રેન તળે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ઉત્તરપ્રદેશનાં પ્રતાપગઢ જિલ્લાનાં વતની મોતીલાલ અલગુરામ ગૌતમનાં દિકરા નિખિલનો તેમના ગામની જ રહેવાસી સુહાની સ્વામીનાથ ગૌતમ સાથે પ્રેમ સંબંધ હતો. તેઓ લગ્ન કરવા માંગતાં હતાં પરંતુ એક જ ગામના રહેવાસી હોય સુહાનીનો પરિવાર આ માટે તૈયાર થયો ન હતો. જાે કે, સુહાનીએ નિખિલ સાથે લગ્ન નહીં કરાવાય તો આપઘાત કરી લઇશ એવી ચીમકી આપી હતી. જેના પગલે નિખિલના પરિવારે તેઓના લગ્ન પાંચમી મે, ૨૦૨૪નાં રોજ કરાવી દીધા હતા. મંદિરમાં લગ્નના પંદરેક દિવસ બાદ નિખિલ અને સુહાની સુરત આવી ગયા હતા. તેમણે લીંબાયત વિસ્તારમાં મકાન ભાડે રાખ્યું હતું. ઓગસ્ટ-૨૦૨૫માં મોતીલાલ તેમની પત્ની સાથે દિકરા નિખિલના ઘરે રહેવા આવ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૨૬થી મોતીલાલને દિકરા નિખિલ સાથે વાતચીત બંધ થઇ ગઇ હતી. પૂત્રવધુ સુહાનીને કોલ કરાતો તો તે સીધા જવાબ આપતી ન હતી. તે એવું કહેવા માંડી હતી કે, નિખિલનું પ્રીતિ નામની છોકરી સાથે ચક્કર ચાલે છે, તે ક્યાંક ચાલ્યો ગયો છે. સુહાનીએ સસરાને જણાવ્યું હતું કે, નિખિલ ઘરે આવ્યો નથી એટલે તેના લાપતાં થવા અંગે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. આ વાત બાદ સુહાનીએ સસરાનો નંબર બ્લોક કરી દેતાં તેઓ કોલ કરી શકતા ન હતા.
દિકરો લાપતા થતાં ચિંતાતુર બનેલા મોતીલાલ સુરત આવ્યા અને પૂત્રવધુ સુહાની સામે તપાસ માટે લિંબાયત પોલીસ મથકમાં અરજી આપી હતી. બે મહિના બાદ તેઓ પોતાની અરજી અંગે તપાસ કરવા લિંબાયત પોલીસ સ્ટેશન ગયા ત્યારે એવું કહેવાયું કે, તમારા દીકરા જેવા કોઈ વ્યક્તિની લાશ મળી છે, તમે કતારગામ પોલીસ સ્ટેશન જાઓ. કતારગામ પહોંચેલા મોતીલાલને રેલવે ટ્રેક પરથી મળેલી યુવકની લાશનો ફોટો બતાવતાં તે નિખિલ જ હોવાનું કન્ફર્મ થયું હતું. પોલીસે નિખિલના ખિસ્સામાંથી મળેલી સ્યુસાઇડ નોટ મોતીલાલને બતાવી હતી. અંગ્રેજીમાં લખાયેલી આ નોટમાં સુહાનીના કારણે આપઘાત કરૂ છું એ મતલબનું લખાણ હતું. જેથી અવાર નવાર ઝઘડા કરી ત્રાસ આપતી વહું સુહાનીના કારણે નિખિલે આપઘાત કરવા મજબૂર બન્યાનું જણાતાં મોતીલાલે તેણી વિરૂદ્ધ કતારગામ પોલીસ મથકમાં આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો..