વડોદરા, તા.૨૧

એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે દશરથ ખાતે આઈટીઆઈ કોલેજમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીને રણોલી બસસ્ટેન્ડ પાસે રોકી પોતાની સાથે લઈ જવાની જબરદસ્તી સાથે પોતાના વશમાં લેવા પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીએ ઈન્કાર કરતાં ઉશ્કેરાયેલા યુવકે તેણીની ઉપર ચાકૂ વડે હુમલો કરતાં હાથ ઉપર ઈજાઓ પહોંચી હતી. ઉશ્કેરાયેલો યુવક બનાવસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે વિદ્યાર્થિનીને સારવાર માટે બાજવા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. આ બનાવની જાણ છાણી પોલીસને કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી ફરાર આરોપી યુવકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

વડોદરા તાલુકાના દોડકા ગામે રહેતી ૧૬ વર્ષીય કિશોરી દશરથ ખાતે આવેલ આઈટીઆઈ કોલેજમાં ડ્રાફટમેન સિવિલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેણીની રોજ દોડકાથી દશરથ બસ મારફત અપ-ડાઉન કરે છે. આ વિદ્યાર્થિનીના એકતરફી પ્રેમમાં પાગલ બનેલો તેના જ ગામનો અજય રાઠોડ વિદ્યાર્થિની સાથે મિત્રતા કરવા માટે અથાગ પ્રયાસ કરતો હતો અને વારંવાર પત્ર મોકલતો હતો, પરંતુ વિદ્યાર્થિનીએ કોઈ મચક ન આપતાં તે રઘવાયો બન્યો હતો. તેને આજે વિદ્યાર્થિનીનો પીછો કરી જે બસમાં બેઠી હતી તેની પાછળ આવ્યો હતો. રણોલી પાસે બસમાંથી ઉતરીને કોલેજ તરફ ચાલતી જતી હતી તે વખતે અજય રાઠોડે આ વિદ્યાર્થિનીને આંતરી હતી અને પોતાની સાથે લઈ જવા માટે જબરદસ્તી સાથે કહ્યું કે ચાલ મારી સાથે તેમ જણાવ્યું હતું.

જાે કે, વિદ્યાર્થિનીએ ધરાર ઈન્કાર કરતાં તે અકળાઈ ગયો હતો અને ખિસ્સામાં લાવેલ ચાકૂ વડે તેણીની ઉપર ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં હાથ ઉપર ચાકૂના બે ઘા વાગ્યા હતા. સ્થળ પર વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં અન્ય રાહદારીઓ દોડી આવ્યા હતા. જ્યારે હુમલાખોર ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીને સારવાર માટે બાજવા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઈ હતી. આ બનાવની જાણ છાણી પોલીસને કરવામાં આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.