લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, માર્ચ 2026 |
સુરત |
2376
સીટીલાઇટમાં નાયબ મુખ્યમંત્રીના જન સંપર્ક કાર્યાલયથી સો ફર્લાંગ દૂર અને અને લિંબાયતમાં છડેચોક ગાંજાે વેચતાં યુવકોને સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો છે.
ઉમરા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર પીપલોદ પોલીસ ચોકીના પીએસઆઈ બી. ડી. વાઘને એવી બાતમી મળતી હતી કે, સીટી લાઇટ રોડ ઉપર કેપીએમ રેસીડેન્સી પાસે આદિત્ય નામનો યુવક ગાંજાનું વેચાણ કરે છે. ખાનગી રાહે તપાસ કરાવતાં ત્યાંથી આદિત્ય ઉમેશ યાદવ (રહે, યુ.પી. નગર સોસાયટી, કેપીએસ રેસીડેન્સી પાસે, સીટી લાઈટ) મળી આવ્યો હતો. અંગજડતી લેવાતાં આદિત્ય રાસે ૧૨,૩૦૦ રૂપિયા કિંમતનો ૨૪૬ ગ્રામ ગાંજાે મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં યાદવે તે પાંડેસરા પિયુષ પોઇન્ટ નજીકથી હર્ષ મિશ્રા પાસેથી ગાંજાે લાવી નાની પડીકીઓ બનાવી વેચતો હોવાની કબૂલાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયથી સો ફલાંગ દૂર છડેચોક ગાંજાે વેચનાર આદિત્યની ધરપકડ કરી હર્ષ મિશ્રાને વોન્ટેડ જાહેર કરાયો હતો.
આ ઉપરાંત લિંબાયત પોલીસના એ.એસ.આઈ. વેડુભાઇ સુખલાલને બાતમી મળી હતી કે, ચંદા ડેરી પાસે, બત્રીસ ચાલની ગલીમાં મોહમદ અઝગરઅલી ઉર્ફે સોનુ નામનો યુવક ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. બાતમી અંગે ખાનગી રાહે તપાસ કરાયા બાદ ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં સ્થળ પરથી મોહમ્મદ અઝગરઅલી ઉર્ફે સોનુ મોહમ્મદ જમાલ શાહ (રહે, શિવાજી નગર, લિંબાયત) મળી આવ્યો હતો.
અંગજડતી દરમિયાન અઝગરઅલીના પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં રખાયેલો ૧૧૦ ગ્રામ ગાંજાે કબજે લેવાયો હતો. ૫,૫૦૦ રૂપિયા કિંમતનો ગાંજાે, ગાંજાે વેચવા માટે રખાયેલા નાના પાઉચ, રોકડા ૭૫૦ તથા મોબાઇલ મળી કુલ ૧૬૪૫૦ કિંમતની મતા જપ્ત કરાઇ હતી. પ્રાથમિક પૂછપરછમાં અઝગરઅલીએ એવી કબૂલાત કરી હતી કે, તે મદીના મસ્જિદ પાસે રહેતાં સલીમ પાસે ગાંજાે લાવી તેની પકડીઓ બનાવી ૧૦૦ રૂપિયામાં વેચતો હતો. પોલીસે અઝગરઅલીની ધરપકડ કરી સલીમને વોન્ટેડ જાહેર કર્યો છે.