વડોદરા, તા. ૩

બ્રિટિશ પાસપોર્ટ ધરાવતો યુવાન શહેરના ફૂટપાથ પર ભિક્ષુક તરીકે જીવન ગુજારતો હતો. ડોલર હોવા છતાં ભિક્ષુક તરીકે જીવન ગુજારતા નિરાધાર યુવાનની જાણ શહેરના સેવાભાવી સંગઠન શ્રવણ સેવાને થઇ હતી. જેથી સંસ્થાના યુવાનો તેની પાસે પહોંચ્યા હતા. જાેકે, ભિક્ષુક યુવાને તેમને ડોલર આપી દૂર જતા રહેવા કહ્યું હતું. પરંતુ નિરાધારોની સેવા માટે સદાય હાજર રહેતા યુવાનો ભિક્ષુકને છોડીને ગયા ન હતા. તેની સાથે લઈને જ ગયા અને તેનું કાઉન્સેલીંગ કરી તેને પરત લંડન મોકલી આપ્યો હતો. જાેકે, એનઆરઆઈ ભિક્ષુક યુવાનના પરિવારજનો આણંદમાં રહે છે એટલું જ નહીં યુવાન વડોદરા આવ્યો ત્યારે તેની માટે હોટલ પણ બુક કરાવવામાં આવી હતી. છતાં યુવાન વડોદરાના ફૂટપાથ પર જ રહેતો હતો તેની પાછળનું રહસ્ય હજી અકબંધ છે.

વડોદરામાં રસ્તા પર રહેતા નિરાધારનો આધાર બનતી શ્રવણ સેવા ફાઉન્ડેશનને એક મેસેજ મળ્યો હતો. જેમાં કોઈ વ્યક્તિએ જણાવ્યું હતું કે, રેસકોર્સ રોડ પર એક એનઆરઆઈ ભિક્ષુક તરીકે જીવન વિતાવી રહ્યો છે. જેથી સંસ્થાના સંચાલક નીરવ ઠક્કર કેટલાક શ્રવણ સેવકો સાથે યુવાન પાસે પહોંચ્યા હતા. જાેકે, યુવાન બ્રિટિશ સિટિઝન હોવા છતાં તે વડોદરામાં ફૂટપાથ પર કેમ જીવન ગુજારી રહ્યો છે તે જાણવાની ઉત્સુકતા નિરવને ન હતી. પરંતુ તેના કરતા વધારે મહત્વનું એ હતું કે, યુવાનનો પરિવાર સાથે મેળાપ કરાવવો. યુવાન ભિક્ષુક બન્યા પાછળનું કારણ તો નીરવ જાણી શક્યો ન હતો. પરંતુ યુવાન સાથેની વાતચીતમાં યુવાનના પરિવારજનો સહિતની કેટલીક માહિતી મળી હતી.

સમગ્ર ઘટના બાબતે નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે, ૧૫ દિવસ પહેલાં એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવતા હું અને શ્રવણ સેવક દિગંત રેસકોર્સ રોડ પર પહોંચ્યા હતા. જ્યાં રોડ સાઈડ પર એક યુવાન લાંબા વાળ અને દાઢી સાથે બેઠો હતો. એમ તો તે ભિક્ષુક જેવો જ દેખાતો હતો. પરંતુ તેની પાસે મોંઘી ટ્રાવેલીંગ બેગ પડી હતી. જેથી અમે તેની સાથે વાતચીત કરી તે કોણ છે તેની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. અમારી સાથે યુવાને બ્રિટિશ ઈંગ્લીશમાં વાત કરી.

વધુમાં નિરવે જણાવ્યું હતું કે, અમારા સવાલોના જવાબમાં તેણે પોતાનું નામ રાજેશ (નામ બદલ્યું છે) જણાવ્યું હતું. તે ક્યાં રહે છે તે અંગે પૂછતાં તેણે પોતાની મોંઘી સુટકેસમાંથી બ્રિટિશ પાસપોર્ટ કાઢ્યો અને અમને બતાવ્યો હતો. જે જાેતાંની સાથે જ અમે ચોંકી ઉઠ્‌યા હતા. ફૂટપાથ ઉપર રહેવાનું કારણ પૂછ્યું પરંતુ તેને જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો. નિકુંજ ફૂટપાથ પરથી અમારી સાથે આવવા તૈયાર ન હતો. જેથી અમે પોલીસની મદદ લીધી હતી. ત્યારબાદ અમે નિકુંજને અમારી સાથે લઇ ગયા અને રહેવાની વ્યવસ્થા કરી હતી.

નિરવ ઠક્કરે વધુમાં ઉમેર્યું હતું કે, અમે નિકુંજ માટે જ્યાં રહેવાની વ્યવસ્થા કરી હતી ત્યાંથી પણ તે જતો રહ્યો હતો. જેથી અમે તે પહેલા જે સ્થળેથી મળ્યો હતો ત્યાં તપાસ કરતા તે ત્યાંથી જ મળી આવ્યો હતો. તેણે અમને દૂરથી જાેતા જ તે ઉભો થઇ ગયો અને અમને નજીક ન આવવા કહ્યું હતું. એટલું જ નહીં તેના ખિસ્સામાંથી યુરોપીયન ડોલર કાઢીને પણ અમને આપવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે, મારે ક્યાંય જવું નથી મને અહીં જ રહેવા દો. પરંતુ નિકુંજને તેના યોગ્ય સ્થળે પહોંચતો કરવા માટે શ્રવણ સેવા સંસ્થાએ નેમ લીધી હતી. આથી સંસ્થાએ પુનઃ પોલીસની મદદ લીધી હતી અને નિકુંજને પોલીસ વાનમાં લઇ ગયા હતા.

નિરવે જણાવ્યું હતું કે, અમે પોલીસ સાથે મળી તેને સીધો જ સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબો દ્વારા તેનું કાઉન્સેલિંગ કરાયું હતું. કાઉન્સેલિંગ દરમિયાન તબીબ ટીમને તે આણંદ જિલ્લાનો રહેવાસી હોવાની માહિતી આપી હતી. જે વાતચીત દરમિયાન કુટુંબીજનોના નામ-સરનામાની જાણકારી મળી હતી. જેથી અમે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. કુટુંબીજનોએ કહ્યું હતું કે, વડોદરાની એક હોટલમાં તેનું બુકિંગ હતું. પરંતુ, તે ફૂટપાથ ઉપર કેમ રહેવા માંગતો હતો. તે અમને ખબર નથી. જાેકે, હાલ નિકુંજને વડોદરામાં રહેતા તેના સગાના ઘરે રાખવામાં આવ્યો છે.

એક વર્ષના વિઝા પર ભારત આવ્યો હતો

નિકુંજ એક વર્ષના વિઝા સાથે ભારત આવ્યો હતો. વડોદરાની હોટલમાં તેનું બુકિંગ પણ કરાવવામાં આવ્યું હતું. વડોદરા આવ્યા બાદ થોડો સમય તે સયાજીગંજ વિસ્તારમાં આવેલી કોઈ હોટલમાં રહ્યો હોવાનું જાણવા મળે છે. જ્યાં તેના પરિવારજનો પણ તેને મળવા ગયા હતા. પરંતુ, થોડા દિવસ બાદ નિકુંજે સ્વજનોના ફોન રિસીવ કરવાનું બંધ કર્યું હતું. જે બાદ તે હોટલમાંથી ગાયબ થઇ ગયો હતો. પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી પરંતુ તે મળી આવ્યો ન હતો. જે સમય તેને રેસકોર્સ રોડના ફૂટપાથ પર વિતાવ્યો હોવાનું જાણવા મળે છે.