વડોદરા,તા. ૭

શહેરના કાસમઆલા કબ્રસ્તાન પાસેના મેઈન રોડ પર વહેલી સવારે પૈસાની લેવડદેવડના મામલે ફ્રુટના ફેરિયાની કરપીણ હત્યા કરી દેવાતા હાહાકાર મચી ગયો હતો. આ બનાવ અંગેં કારેલીબાગ પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ કરીને ગણતરીના કલાકોમાં જ હત્યારાને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, હત્યારો મૃતકનો પાડોશી હતો અને પૈસાની લેતીદેતીના મામલે વિવાદ થતા એણે હત્યા કરી હતી. પોલીસની ટીમ આરોપીને લઈને અમદાવાદથી વડોદરા આવવા રવાના થઈ હતી.

શહેરના કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતો અને ફ્રુટનો વેપાર કરતો મહંમદ નાઝીમ પઠાણ રોજ મળસ્કે ત્રણ વાગ્યે ઉઠીને ખંડેરાવ માર્કેટ જતો હતો અને ત્યાંથી જથ્થાબંધ ફ્રુટ ખરીદીને એને પોતાની પગરિક્ષામાં મુકીને વેચવા જતો હતો. આજે મળસ્કે ત્રણ વાગ્યે ઉઠીને તે પોતાની પગરિક્ષા લઈને ખંડેરાવ માર્કેટ ગયો હતો. લગભગ સાડા છ વાગ્યે એનો મિત્ર એના ઘરે પહોંચ્યો હતો અને એની પત્નીને જણાવ્યુ હતુ કે, આજે નાઝીમ માર્કેટમાં આવ્યો નથી અને ફોન પણ ઉઠાવતો નથી. આ વાત સાંભળીને પત્નીને ફાળ પડી હતી. જે દરમિયાન મેસેજ આવ્યો હતો કે, કાસમઆલા કબ્રસ્તાન પાસેના મેઈન રોડ પરથી મહંમદ નાઝીમની લાશ પડી છે. આ વાતની જાણ થતા જ નાઝીમના પરિવારજનો કાસમઆલા કબ્રસ્તાન પાસે પહોંચી ગયા હતા.

આ બનાવની જાણ થતા જ કારેલીબાગ પોલીસ દોડી આવી હતી. પોલીસે મૃતક નાઝીમ પઠાણની લાશને પોસ્ટમાર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે, કોઈક અજ્ઞાત વ્યક્તિએ નાઝીમના માથા અને છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મારીને તેની હત્યા કરી હતી. પોલીસે બનાવ અંગે મૃતકની પત્નીની ફરિયાદને આધારે ખૂનનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, નાઝીમ અને તેના પાડોશી ગુલઝાર વચ્ચે પૈસાની લેવડદેવડના મામલે ખટરાગ ચાલતો હતો. જેથી

પોલીસે ગુલઝારની શોધખોળ શરૂ કરી હતી.

પરંતુ, ગુલઝાર સવારથી જ ગાયબ હતો એટલે પોલીસની શંકા પાક્કી થઈ હતી. આખરે, ટેકનિકલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને પોલીસે અમદાવાદથી ગુલઝાર અકબર પઠાણને ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં ગુલઝારે કબુલાત કરી હતી કે, નાણાની લેતીદેતીમાં ઝઘડો થતા એણે જ નાઝીમ પઠાણ પર તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને તેની હત્યા કરી દીધી હતી.