અમદાવાદ-

આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીને લઈને રાજ્યમાં બંને મુખ્ય પક્ષોએ તૈયારીઓ શરુ કરી છે. જ્યારે આ વખતે આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. ગોપાલ ઈટાલિયાને પક્ષના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા બાદ સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. ટુંક સમયમાં પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાશે તેવો ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો છે. આજે પાર્ટીના નવા સંગઠનના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી આ વખતે તમામ સીટો પર ચૂંટણી લડશે. દિલ્હી મોડેલ પર ટિકીટની વહેંચણી કરીને ટુંક સમયમાં યાદી જાહેર કરાશે.

ઈટાલિયાએ કહ્યું હતું કે આ વખતની ચૂંટણીમાં જાે પાર્ટી જીતશે તો આજ સુધી જે સુવિધાઓથી લોકો વંચિત રહ્યાં છે તમામ સુવિધાઓ પુરી કરવાનો પ્રયત્ન કરીશું. બીજી તરફ નવા સંગઠનના સમર્થનમાં અને પાર્ટી સાથે વરેલા કાર્યકરોને ટિકીટો આપવા માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં ચાર મહાનગરોમાં કરફ્યુ હટાવવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે. રાજકોટ બાદ અમદાવાદમાં પણ રાત્રી કરફ્યુ હટાવવાને લઈ વિરોધ શરૂ થયા છે.

શહેરના સુભાષબ્રિજ સર્કલ પાસે "રાત્રી કરફ્યુ હટાવો, ધંધા રોજગાર બચાવો"ના બેનર લાગ્યા છે. અલગ અલગ જગ્યાએ બેનર લગાવી આમ આદમી પાર્ટી હવે અમદાવાદમાં વિરોધ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદમાં આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા સરકારના "રાત્રી કરફ્યુ"ના તઘલુકી અને રમુજી જાહેરનામાં ને પરત ખેંચવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.