વડોદરા, તા.૧૨

રામનવમીના દિવસે શહેરના ફતેપુરા વિસ્તારમાં થયેલા કોમીતોફાનો દરમિયાન ધુળધોયાવાડ ખાતે દરગાહ પાસે ફરજ પર હાજર એસઆરપી જવાન પર ત્રણ યુવકોએ હુમલો કરી તેમની રાયફલની લુંટનો પ્રયાસ કરવાના ચકચારભર્યા બનાવમાં વારસિયા પોલીસે એક હુમલાખોર વિધર્મી યુવકને ઝડપી પાડી તેનો એક દિવસના રિમાન્ડ મેળવ્યો હતો.

રામનવમીના દિવસે શહેરના સંવેદનશીલ ફતેપુરા ધુળધોયાવાડ ખાતે પાડાખાના પાસે કાલુ શહીદબાબાની દરગાહ પાસે ગોધરાની એસઆરપી ગ્રુપ-૫ના જવાનોને બંદોબસ્ત માટે તૈનાત કરાયા હતા. બપોર બાદ આ વિસ્તારમાં કોમી તોફાનના પગલે પરિસ્થિત તંગ બની હતી જે દરમિયાન સાંજે સાડા પાંચ વાગે મસ્જીદની ગલીમાંથી ટોળું બહાર આવ્યું હતું જે પૈકીના ત્રણ યુવકો દરગાહના પાછળના ગેટ પર ફરજ બજાવી રહેલા એસઆરપીના પોકો પંકજ બારિયા તરફ ધસી ગયા હતા અને તેમને લાફો ઝીંકીને ખભે લટકાવેલી ઈન્સાસ રાયફલની લુંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની ધુળધોયાવાડા મસ્જીદ પાસે રહેતા કાળોશર્ટ અને સફેદ ટોપી પહેરેલા રસીદ સત્તારભાઈ શેખ, જાંબલી શર્ટવાળા બીટુ રફીકભાઈ બંગાળી અને ગુલાબી શર્ટવાળો મોહસીન વિરુધ્ધ પોકો પંકજ વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવની તપાસ કરી રહેલી વારસિયા પોલીસે ઉક્ત ઘટનાના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવ્યા હતા અને તેના આધારે પોકો પર હુમલો કરનાર ત્રિપુટી પૈકીના ૪૨ વર્ષીય અબ્દુલરસીદ અબ્દુલસત્તાર શેખ (ધૂળ ધોયાવાડા મસ્જીદ પાસે, ફતેપુરા)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેનો એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો અને તેને સાથે રાખી બનાવનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.