વડોદરા, તા.૧૩
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને પગલે શહેરના મુખ્ય માર્ગોનું મોટાપાયે ધોવાણ થયું છે. ઉપરાંત અનેક સ્થળે પેવર બ્લોક બેસી ગયેલા પણ જાેવા મળી રહ્યા છે. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવવામાં આવતા રસ્તાઓનું મોનિટરીંગ ન થવાના કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાના રોડ બનાવી દેવામાં આવે છે, જેનો ભોગ શહેરના લોકોને ભોગવવાનો વખત આવે છે. મંગળવારે સાંજે થયેલા બે ઇંચ જેટલા વરસાદમાં જ રસ્તાઓનું ધોવાણ થતાં હવે કોર્પોરેશન દ્વારા થીગડા મારવામાં આવી રહ્યા છે. પાલિકા તંત્ર દ્વારા છેલ્લા ૪ દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે પડેલા ૪૯૧ જેટલા ખાડાઓનું પુરાણ કરાયું છે.
શહેરમાં ગત મોડી સાંજથી વડોદરામાં વરસાદે વિરામ લેતાં અને મુખ્ય માર્ગો ઉપરથી પાણીનો નિકાલ થઇ ગયા બાદ કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત મોડી રાતથી રસ્તાઓમાં પડેલા ખાડાઓનું સતત રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. હવામાન ખાતાની અતિભારે વરસાદની આગાહીના પગલે પાલિકા દ્વારા નાગરિકોની સાવચેતી અને રાહત માટે દરેક વોર્ડમાં રેસ્ક્યૂ ટીમ તૈયાર કરવામાં આવી છે. વરસાદના કારણે રસ્તામાં પડેલા ખાડાઓનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે અને ખાડાઓનું પુરાણ કરવામાં આવી રહ્યું છે, જરૂર પડે ત્યાં પેચવર્કનું પણ કામ શરૂ કરવામાં આવ્યું છે. વિવધ વિસ્તારમાં રાત્રે પણ જાેખમી વૃક્ષોનાં ટ્રીમિંગની કામગીરી કરવામાં આવી હતી. વડોદરા ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં ૨૯ નાના-મોટા વૃક્ષો જમીનદોસ્ત થઇ ગયા છે. વૃક્ષો જમીનદોસ્ત થવાના કારણે કાર, ટુ-વ્હીલર મળી ૬ જેટલા વાહનોને નુકસાન થયું છે.
જિલ્લામાં વરસાદથી જર્જરિત માર્ગોનું સમારકામ પૂરજાેશમાં
વડોદરા ઃ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ (ગ્રામ્ય)ના કાર્યપાલક ઇજનેર શ્રી કમલેશ થોરાતે જણાવ્યું હતુ કે જીલ્લામાં મુખ્ય માર્ગો ની વચ્ચે આવતા પૂલમાં ખતરાના નિશાનથી ઉપર પાણી જવાના કારણે કુલ ૬ રાજ્ય ધોરી માર્ગોનો વાહન વ્યવહાર નજીકના સલામત રસ્તેથી ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. હવે તેમાંથી ત્રણ માર્ગો ઉપર પાણી ઓસરી જતાં આ માર્ગો ફરી ચાલી કરી દેવામાં આવ્યા છે. તેની સાથે તાલુકા દીઠ બે એમ ૧૬ ટીમો માર્ગોમાં પડેલા ખાડાઓ રિપેર કરવા માટે કામે લગાડવામાં આવી છે. આ ટીમમાં એક નાયબ કાર્યપાલક ઇજનેર, બે વિભાગીય અધિકારીનો સમાવેશ થાય છે. તેની સાથે જરૂરત મુજબના શ્રમિકો પણ કામ કરી રહ્યા છે.
Comments