ABVPનું આંદોલન ઉગ્ર:સુરતમાં ગરબા મામલે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, યુનિવર્સિટીને તાળાબંધી
13, ઓક્ટોબર 2021

સુરત-

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ABVP દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાત્રે પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી જઇને વિદ્યાર્થીઓને કેટલીક બાબતો અંગે સૂચના આપતાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે દંડાવાળી કરતાં સાત વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા. જોકે આ જ પોલીસ થોડા દિવસ પહેલાં ગૃહ રાજ્યમંત્રીની જન આશીર્વાદ યાત્રામાં ઊમટેલી ભીડ સામે ચૂપ રહી હતી. એ સમયે પોલીસ ક્યાં ગઈ હતી?યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસે ગેરકાયદે પ્રવેશ કર્યો હોય એ પ્રકારની ચર્ચા સમગ્ર શહેરમાં શરૂ થઇ છે.હાલ સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા જેસીપીની અધ્યક્ષતામાં તપાસ સોંપાઈ છે. જોકે વિદ્યાર્થી સંગઠન દ્વારા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માગ કરાઈ છે. વિરોધપ્રદર્શન ઉગ્ર કરવાની સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સુરતમાં ગરબા રમવા મામલે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓનું આંદોલન પ્રસરી ગયું છે. ખાસ કરીને રાજ્યના મોટા શહેરોની સાથે અન્ય યુનિવર્સિટીઓમાં પણ ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટીમાં પણ છેલ્લા બે દિવસથી ABVPના કાર્યકરો સુરતના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં આજે ABVPના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગો જબરદસ્તીથી બંધ કરાવી રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત જામનગરમાં પણ આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

વિદ્યાર્થીઓના ટોળે ટોળા ઉમટી રહ્યાં છે. જ્યારે બીજી બાજુ પોલીસ મૂક પ્રેક્ષકની જેમ આંદોલનકારીઓ સામે પગલાં લેવામાં સરકારના આદેશની રાહ જોઈ રહી હોય તેવી પરિસ્થિતિ છે.ગુજરાત યુનિવર્સિટીમાં ABVPના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં સુરત પોલીસ હાય હાય, પોલીસ કા એજન્ડા સાફ હૈ ગરબા ખેલના પાપ હૈ જેવા નારા લાગ્યા હતાં. ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીમાં શિક્ષણ અને વહિવટી કાર્ય બંધ કરાવવા પ્રયાસ કરાયો હતો.કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં અભ્યાસ ચાલુ હતો તે બંધ કરાવવામાં આવ્યો, વિદ્યાર્થીઓને કલાસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. યુનિવર્સિટીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ બંધ કરાવવાનું શરૂ કર્યું છે.ABVPના કાર્યકરોએ કહ્યું હતું કે, ગુજરાતના ગૃહમંત્રી જે વિસ્તારમાંથી આવે છે ત્યાં જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી પરિષદ પર પોલીસ દ્વારા મારામારી કરવામાં આવી તે કેટલું યોગ્ય છે?ABVP એ ગુજરાત યુનિવર્સિટીમાં આવેદન આપ્યું.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની અંદર થયેલા ઘર્ષણ આ મામલાને લઈને ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કર્યા બાદ ભાજપના કેટલાક સિનિયર નેતાઓ દ્વારા વિદ્યાર્થીઓને હવે આ સમગ્ર પ્રકરણ ઉપર પૂર્ણવિરામ મૂકવા માટે કહેવામાં આવ્યું છે. છતાં પણ વિદ્યાર્થીઓ તેમની ઉપરવટ જઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ABVP દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાત્રે પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી જઇને વિદ્યાર્થીઓને કેટલીક બાબતો અંગે સૂચના આપતાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે દંડાવાળી કરતાં સાત વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા. જેના પડઘા રાજકોટમાં પડ્યાં છે. શહેરમાં સતત બીજે દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ABVPના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં સુરત પોલીસ હાય હાય, પીઆઇ મોદી કો સસ્પેન્ડ કરો જેવા નારા લાગ્યા હતા.તેમજ પોલીસે દારૂ પીને વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution