લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026 |
1782
જામનગરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી સરકારી તંત્રમાં ચાલી રહેલી લાંચપ્રથા સામે કડક કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટના મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીના (વર્ગ-૨)ને ૪.૫૨ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સીપીડબ્લ્યુડી કચેરીમાં ટ્રેપ એસીબીએ ગોઠવી આરોપીને પૈસા લેતા રંગેહાથ ઝડપી પાડ્યો. મળતી માહિતી મુજબ, આ કેસમાં ફરિયાદીના મિત્રને જામનગર જિલ્લાના લાખાબાવડ ગામ નજીક હાઈવે પર આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તથા ડબ્લ્યુએચઓના સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ બનેલા રિસર્ચ સેન્ટરમાં ઇલેક્ટ્રિક કામનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના મોજપ ગામે આવેલા બીએસએફ મરીન તાલીમ કેન્દ્રમાં પણ ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ સોંપાયું હતું. આ બંને કામગીરીના બિલ મંજૂર કરવા માટે આરોપી મદદનીશ ઇજનેર વિજયકુમાર મીનાએ ફરિયાદીના મિત્ર પાસે રૂબરૂમાં ૪.૫૨ લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીના મિત્રએ લાંચ આપવાનો ઇનકાર કરતા સમગ્ર મામલો એસીબી સુધી પહોંચ્યો હતો. બાદમાં એસીબીએ ટ્રેપ ગોઠવી આરોપીની ચેમ્બરમાં જ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને લાંચની રકમ સ્વીકારી હતી. એટલું જ નહીં, આરોપીએ ફરિયાદીના મિત્ર સાથે મોબાઇલ ફોન પર પણ લાંચની રકમ મળ્યાની કબૂલાત કરી હતી. એસીબીની ટીમે સ્થળ પર જ આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ૪.૫૨ લાખની લાંચની રકમ જપ્ત કરી હતી.