વડોદરા, તા.૨૪

વડોદરા-પાદર રોડ પર નારાયણવાડી પાસે મોડી રાત્રે રિક્ષા અને કાર વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારના ૩ બાળકો સહિત પાંચ જણાનાં મોત નીપજ્યાં હતાં. સામૂહિક મોતનું તાંડવ મચાવતા અકસ્માતોની વણથંભી વણઝારમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિનાં મોતથી પરિવાર વેરવિખેર થઈ ગયો હતો. આ અકસ્માતના બનાવના પગલે મૃતકના સગાઓમાં ગમગીની સાથે ગામમાં શોકની લાગણી વ્યાપી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ વડોદરા-પાદરા રોડ પર મોડી રાત્રે શાંત વાતાવરણમાં મોટા ધડાકાનો અવાજ આવતાં નજીકના સ્થાનિક લોકો સફાળા જાગી ગયા હતા અને રોડ પર દોડી આવ્યા હતા, જ્યાં જાેતાં કાર-રિક્ષા વચ્ચેના અકસ્માતમાં રિક્ષામાં સવાર લોકોની વહારે આવ્યા હતા. આ બનાવમાં ઘટનાસ્થળે ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. આ બનાવને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગંભીર રીત ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં બે બાળકોને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતાં અકસ્માતમાં મોતનો આંક પાંચ થયો હતો.

પાદરા-વડોદરા રોડ પર બનેલા ગોઝારા અકસ્માતમાં પાદરા તાલુકાના ચિત્રાલ પાસે આવેલ લોલા ગામે અરવિંદ પૂનમભાઈ નાયક (ઉં.વ.ર૮) તેની પત્ની કાજલ નાયક (ઉં.વ.રપ) બે નાનાં સંતાનોના પરિવાર સાથે રહેતો હતો. તે પોતાની રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે તેની સાસરી હરિધામ સોખડા ગામે પારિવારિક લગ્નપ્રસંગ હોવાથી તે, તેની પત્ની અને તેના બે નાનાં બાળકો ગણેશ (ઉં.વ.૧૧), પુત્રી દૃષ્ટિ (ઉં.વ.૬) અને તેના ભાઈની દીકરી શિવાની અલ્પેશ નાયક અને દીકરો આર્યન નાયકને લઈને રિક્ષા મારફતે ગયા હતા. નાયક પરિવારના ઉત્સાહ-ઉમંગ સાથે સાસરીમાં લગ્નપ્રસંગમાં હાજરી આપી ગત મોડી રાત્રે ૧ર વાગ્યા બાદ રિક્ષામાં પોતાના ગામ લોલા પરત આવી રહ્યા હતા, તે સમયે ઓછા ટ્રાફિક અને ખૂલ્લા રોડ પર વલસાડના પાલડી ખાતે રહેતો જયહિન્દ બ્રિજમોહન યાદવ વલસાડથી મજૂરો લઈને જંબુસર થઈ રેલવે સ્ટેશન તરફ પૂરઝડપે જઈ રહ્યો હતો એ દરમિયાન કારચાલક જયહિન્દ યાદવે રિક્ષાને નારણવાડી સત્સંગ કોમ્પલેક્સ એસ્સાર પેટ્રોલ પંપ પાસે અડફેટમાં લીધી હતી. અકસ્માતને પગલે રિક્ષાનો ખુરદો બોલી ગયો હતો. રિક્ષામાં સવાર પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્યોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લવાયા હતા. અકસ્માતના ધડાકાના અવાજને પગલે સ્થાનિક લોકો સફાળા જાગી ગયા હતા અને રોડ પર દોડી આવી મદદની વહારે આવ્યા હતા. કારચાલક બનાવસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરતો હતો ત્યાં જ સ્થાનિક લોકોએ ઝડપી પાડયો હતો. આ અકસ્માતમાં પતિ-પત્ની અને તેના બે સંતાનો અને ભાઈની એક દીકરી સહિત પાંચ જણાનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ભાઈના એક દીકરાની સારવાર ચાલી રહી છે. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ બનાવસ્થળે આવી પહોંચી હતી. પોલીસે પાંચેય મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયા હતા.

કારચાલકની ધરપકડ કર્યા બાદ તેના કોરોના રિપોર્ટ કરાયા

ગત મોડી રાત્રે અટલાદરા-પાદરા રોડ પર થયેલા ગોઝારા અકસ્માતના બનાવ સંદર્ભે વડોદરા એફ ડિવિઝનના એસીપી પ્રણવ કટારિયાએ જણાવ્યું હતું કે, કારચાલકની અટકાયત કર્યા બાદ કોરોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તેની સામે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે. કારચાલક જયહિન્દ યાદવ વલસાડનો રહેવાસી અને તે પોતાની કારમાં વલસાડથી મજૂરો લઈને જંબુસર થઈ વડોદરા રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો. પોલીસ તેની સઘન પૂછપરછ કરી રહી છે.

મોતને ભેટેલો નાયક પરિવાર

અટલાદરા-પાદરા રોડ પર કાર-રિક્ષા વચ્ચેના ગોઝારા અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા મૃતકોમાં અરવિંદ પૂનમભાઈ નાયક (ઉં.વ.ર૮), પત્ની કાજલ અરવિંદ નાયક (ઉં.વ.રપ), પુત્ર ગણેશ અરવિંદ નાયક (ઉં.વ.૧૧), પુત્રી દૃષ્ટિ અરવિંદ નાયક (ઉં.વ.૬) અને ભાઈની દીકરી શિવાની અલ્પેશ નાયક (ઉં.વ.૧ર)નો સમાવેશ થાય છે, જ્યારે ભાઈનો પુત્ર આર્યન હાલ સારવાર હેઠળ છે.