વડોદરા, તા. ૧૯

અનાજના કાળાબજાર અને દારૂબંધીના ગુનામાં સંડોવાયેલો રીઢો આરોપી વિનોદ ખટીકે ફરી વિદેશી દારૂનો ધંધો શરૂ કર્યો હોવાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાપોદ વિસ્તારમાં રહેતા વિનોદના ઘરે દરોડો પાડ્યો હતો અને ઘરમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

શહેરના હરણી પોલીસ મથકમાં ગત ૨૦૧૬માં અનાજના કાળાબજારના ગુનામાં તેમજ નર્મદા રાજપિપળા અને બાપોદ પોલીસ સ્ટેશનમાં સમયાંતરે દારૂબંધીના ગુનામાં સંડોવાયેલો રીઢો આરોપી વિનોદ નારાયણ ખટીકે (ધનલક્ષ્મી સોસાયટી, બાપોદ જકાતનાકા, વાઘોડિયારોડ) ફરી વિદેશી દારૂનો ધંધો શરૂ કર્યો હોવાની ક્રાઈમ બ્રાન્ચની ટીમને જાણ થઈ હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેના પર વોચ ગોઠવી હતી જેમાં આજે તેના ઘરે વિદેશી દારૂનો જથ્થો લાવ્યાની વિગતો મળતા જ તેના ઘરે દરોડો પાડવામાં આવ્યા હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમને જાેતા જ વિનોદ ખટીકે ઘરમાંથી નીકળીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતું પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

તેના સાથે રાખી મકાનમાં તપાસ કરાઈ હતી જેમાં મકાનના પ્રથમમાળે આવેલા બાથરૂમમાંથી જ્હોનીવોકર, રેડ લેબલ સહિતની મોંઘાભાવની વિદેશી દારૂની ૫૮,૭૨૦ રૂપિયાની કિંમતની ૭૬ બોટલો મળી હતી. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે વિનોદ ખટીકની ધરપકડ કરી તેની વિરુધ્ધ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.