તૃષા સોલંકી હત્યાકેસના આરોપી પાસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન

વડોદરા, તા. ૨૫

માણેજામાં મામાના ઘરે રહીને પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતી આશાસ્પદ યુવતી તૃષા સોલંકીને મળવાના બહાને નિર્જન વિસ્તારમાં લઈ જઈ તેની કરપીણ હત્યા કરનાર કલ્પેશ ઠાકોરને લઈને આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું જેમાં કલ્પેશે તૃષાને પાળિયાનો પહેલો ઘા ઝીંક્યા બાદ તેણે જીવ બચાવવા માટે દોટ મુકી હતી જેથી તેણે તેની પાછળ દોડીને ઉપરાછાપરી ઘા ઝીંકી કાંડાના ભાગેથી હાથ કાપી નાખ્યો હોવાનો ઘટનાક્રમ દર્શાવ્યો હતો.

મુળ પંચમહાલની અને હાલમાં માણેજામાં રહેતી ૧૯ વર્ષીય તૃષા સોલંકીની કરપીણ હત્યાના ગુનામાં રિમાન્ડ પર લેવાયેલા કલ્પેશને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસે તેને તેના રહેણાંક વિસ્તારમાંથી લઈને તે કોઈ સાથે અને કેવી રીતે ઘટનાસ્થળે પહોંચ્યો તેની વિગતો મેળવ્યા બાદ તેને હત્યા કરાઈ તે જગ્યાએ લઈ જવાયો હતો. કલ્પેશે જણાવ્યું હતું કે તે ઘરેથી બે કિલોથી વધુ વજનનું પાળિયું ઘરમાંથી લઈને પેટના ભાગે શર્ટ નીચે છુપાવ્યું હતું અને ઘરેથી પંખો રિપેર કરવા માટે દુકાને ગયો હતો અને ત્યારબાદ તૃષા સાથે અગાઉ થયેલી વાતચિત મુજબ તે મિત્ર દક્ષેશની બાઈક પર માણેજથી હાઈવે પર પહોંચ્યા હતા.

જાેકે તેણે દક્ષેશને હોટેલમાં રાહ જાેવાનું કહીને તે ચાલતો રસ્તો ઓળંગીને એક્ટિવા લઈને ઉભેલી તૃષાને મળ્યો હતો અને ત્યાંથી તેઓ વાતચિત માટે મુજાર ગામડી પહોંચ્યા હતા. અંધારૂ થતું હોઈ તૃષાને પરત જવાની ઉતાવળ હતી જેથી તેણે જણાવ્યું હતું કે હું પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરું છું અને તું પણ તારા કેરિયર પર ધ્યાન આપ. જાેકે આ દરમિયાન કુતરા ભસતા હોઈ તૃષાએ પાછળ વળીને જોતા જ કલ્પેશે તેની પર પાળિયાનો ઘા ઝીંક્યો હતો. અચાનક હુમલાના પગલે ગભરાયેલી તૃષાએ બુમરાણ મચાવી રોડ પર દોટ મુકી હતી જેથી કલ્પેશે તેની પાછળ દોડી તેને આડેધડ ઘા ઝીંક્યા હતા. જીવ બચાવવાના પ્રયાસમાં તૃષાનો જમણો હાથ કાંડાના ભાગથી કપાઈને છુટ્ટો પડી ગયો હતો. તૃષા લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા બાદ પણ કલ્પેશે તેના ગળા પર ઘા ઝીંકતા તૃષાનું સારવાર મળે તે અગાઉ જ મોત નીપજ્યું હતું.

તૃષાને અન્ય સાથે ફ્રેન્ડશીપની શંકાએ કલ્પેશ ધુવાપુવા થયેલો

સામાન્ય બોલાચાલીમાં કોઈ વ્યકિત હત્યા કરે તે વાત પોલીસના ગળે ઉતરતી ન હોઈ પોલીસે તેની પુછપરછ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તૃષા અગાઉ તેની સાથે નિર્દોષ ભાવે મિત્રતા રાખતી હતી પરંતું તે અભ્યાસમાં વ્યસ્ત હોઈ અને તે તૃષાને વારંવાર મળવા દબાણ કરતો હોઈ તે તેનાથી અંતર રાખતી હતી. આ દરમિયાન કલ્પેશને એવી શંકા ઉભી થઈ હતી કે તૃષાને અન્ય કોઈની સાથે ફ્રેન્ડશીપ છે. આ શંકાથી તે ધુંવાપુવા બન્યો હતો અને તૃષા તેની નહી તો કોઈની નહી તેમ નક્કી કરી તેણે માસુમ તૃષાની હત્યા કરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution