અદાણી અને ગૂગલ વચ્ચે ડીલ : વિશાખાપટ્ટનમમાં ભારતનું સૌથી મોટું ડેટા સેન્ટર કેમ્પસ બનાવાશે 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ઓક્ટોબર 2025  |   39798

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ અને નવા ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે અદાણી એન્ટરપ્રાઇઝે, તેની સંયુક્ત સાહસ કંપની AdaniConneX અને ગુગલ વચ્ચે એક સીમાચિહ્નરૂપ ભાગીદારી કર્યાની આજે જાહેરાત કરી હતી.

વિશાખાપટ્ટનમમાં ગુગલના AI હબના નિર્માણ માટે ૨૦૨૬થી ૨૦૩૦ના પાંચ વર્ષ દરમિયાન અંદાજે USD 15 બિલિયનનું બહુપક્ષીય રોકાણની ધારણા છે, જેમાં ભારતમાં સૌથી વધુ માંગવાળા AI વર્કલોડને ચલાવવા માટે એક મજબૂત સબસી કેબલ નેટવર્ક અને સ્વચ્છ ઉર્જા દ્વારા સમર્થિત ગીગાવોટ-સ્કેલ ડેટા સેન્ટરની કામગીરીનો સમાવેશ થાય છે. તેને AdaniConneX અને Airtel સહિતની ઇકોસિસ્ટમના ભાગીદારો સાથે ગાઢ સહયોગથી સક્રીય અને જીવંત કરવામાં આવશે. AdaniConneX ના સહયોગથી વિકસાવવામાં આવેલા ગુગલના AI હબના પાયાના સ્તંભોમાં વિશાખાપટ્ટનમમાં હેતુ-લક્ષી AI ડેટા સેન્ટરના માળખાનો સમાવેશ થાય છે જે ભારતની AI ક્ષમતાઓમાં પેઢીગત પરિવર્તન લાવવામાં મદદ કરવા માટે નોંધપાત્ર ગણતરી ક્ષમતા ઉમેરશે.

આ પ્રકલ્પ બંને કંપનીઓની ટકાઉપણું પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પણ મદાર રાખવા સાથે આંધ્રપ્રદેશમાં નવી ટ્રાન્સમિશન લાઇન, સ્વચ્છ ઉર્જા ઉત્પાદન અને અવનવી ઉર્જા સંગ્રહ પ્રણાલીઓમાં સહ-રોકાણ થાય તેનો પણ ખ્યાલ રાખશે. આ ડેટા સેન્ટરની કામગીરીને ફક્ત ટેકો જ નહીં આપે પરંતુ ભારતના વીજળી ગ્રીડની સ્થિતિસ્થાપકતા અને ક્ષમતામાં પણ વધારો કરશે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપને આ ઐતિહાસિક પ્રકલ્પ માટે ગુગલ સાથે ભાગીદારી કરવાનું ગૌરવ છે જે ભારતના ડિજિટલ લેન્ડસ્કેપના ભવિષ્યને વ્યાખ્યાયિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે આ ફક્ત માળખાગત સુવિધાઓમાં રોકાણ કરતાં વધુ મહત્વનું એ છે કે તે ઉભરતા રાષ્ટ્રના આત્મામાં રોકાણ છે. આ ભાગીદારી રાષ્ટ્ર નિર્માણના અમારા સહિયારા દ્રષ્ટિકોણ અને ૨૧મી સદીના સંસાધનો સાથે પ્રત્યેક ભારતીયને સશક્ત અને સક્ષમ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાન પુરાવો છે. વિશાખાપટ્ટનમ હવે ટેકનોલોજી માટે વૈશ્વિક સ્થળ બનવા માટે સજ્જ છે અને અમે આ ચિરસ્મરણિય સફરના શિલ્પી બનવા માટે રોમાંચિત છીએ.

ગુગલ ક્લાઉડના સીઇઓ થોમસ કુરિયને આ વેળા કહ્યું હતું કે, AI યુગમાં ભારતની વિશાળ સંભાવનાઓને ઉજાગર કરવા માટે અમે ગુગલ AI હબમાં રોકાણ કરી રહ્યા છીએ, જે વૃદ્ધિને વેગ આપવા સાથે વ્યવસાયો, સંશોધકો અને સર્જકોને AI સાથે નિર્માણ અને સ્કેલ કરવા સક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ પાયો પૂરો પાડશે. તેમણે વધુમાં કહ્યું હતું કે અદાણી સાથે સહયોગ કરીને અમે અમારા અત્યાધુનિક સંસાધનોને સમુદાયો અને ગ્રાહકોની નજીક લાવીને તેમને વૈશ્વિક મંચ ઉપર નવીનતા અને વિકાસ માટે પ્રદર્શન, સુરક્ષા અને સ્કેલેબિલિટી પ્રદાન કરીશું.

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને ત્યારબાદ સમગ્ર દેશમાં આ AI હબ અને કનેક્ટિવિટી ગેટવેનો વિકાસ ડિજિટલ સમાવેશકતાને સંચાલિત કરીને ટેકનોલોજી, બાંધકામ અને સ્વચ્છ ઊર્જામાં હજારો નોકરીઓનું સર્જન કરીને આર્થિક વિકાસ માટે એક શક્તિશાળી એન્જિન બનાવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution