આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની અદાણી જૂથે જાહેરાત કરી

અદાણી ગ્રુપે મંગળવારે આસામમાં 5૦,૦૦૦ કરોડ રૂપિયાના વિક્રમી રોકાણની જાહેરાત કરી છે, જે કોઈ પણ બિઝનેસ ગ્રુપ દ્વારા રાજ્યમાં અત્યાર સુધીની સૌથી વધુ રોકાણની પ્રતિબદ્ધતા છે. ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.૦ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2૦25ને સંબોધતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, આ રોકાણ એરપોર્ટ, એરોસિટી, સિટી ગેસ વિતરણ, પાવર ટ્રાન્સમિશન, સિમેન્ટ અને રોડ પ્રોજેક્ટ્સમાં ફેલાયેલું હશે. તે રાજ્યમાં માળખાગત વિકાસ અને રોજગારી સર્જનને નોંધપાત્ર રીતે વેગ આપશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યની વધતી જતી ઊર્જા માગને પહોંચી વળવા માટે અદાણી ગ્રુપ આસામમાં પરમાણુ ઊર્જા પ્રોજેક્ટના વિકાસ માટે સક્રિયપણે વિચાર કરી રહ્યું છે, જે ઊર્જા ઉકેલો પ્રત્યેની તેમની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ગૌતમ અદાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા સરમાના નેતૃત્વમાં આસામની પરિવર્તન ગાથાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે 'આસામ મહાનતાના માર્ગે છે, અને અદાણી ગ્રુપ તેની સાથે આ માર્ગે ચાલવાનો ગર્વ અનુભવે છે. તે અમારી પ્રતિબદ્ધતા, અમારું વિઝન છે. આપણે આસામના ભવિષ્યને સાથે મળીને બનાવીશું.

અદાણી ગ્રુપનું રોકાણ ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીના મુખ્ય પ્રેરક તરીકે આસામની વધતી ભૂમિકા સાથે સુસંગત છે. તે દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો સાથે જોડાણ અને વેપારમાં વૃદ્ધિ કરે છે. અદાણીએ શિક્ષણ, સામાજિક કલ્યાણ અને માળખાગત સુવિધાઓમાં મુખ્યમંત્રીની પહેલોને સ્વીકારી તેને પ્રગતિની જીવનરેખા અને સમૃદ્ધિના પુલ ગણાવ્યા હતા.

ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2025માં વૈશ્વિક રોકાણકારો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી, આ પ્લેટફોર્મ છે જે માળખાગત સુવિધાઓ, ઊર્જા અને ટેકનોલોજીમાં વ્યૂહાત્મક રોકાણો દ્વારા રાજ્યની આર્થિક સંભાવનાઓના દરવાજા ખોલવા કાર્યરત છે.

આ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં પ્રધાનમંત્રી મોદીએ ગુવાહાટીના લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય (LGBI) એરપોર્ટના નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગ (NITB) ની 'બામ્બૂ ઓર્કિડ' ડિઝાઇનનું અનાવરણ કર્યું હતું. આસામના કુદરતી સૌંદર્યથી પ્રેરિત આ ડિઝાઇન જૈવવિવિધતા, સામર્થ્યને દર્શાવે છે.

હાલમાં બાંધકામ હેઠળનું NITB વાર્ષિક 13.1 મિલિયન મુસાફરો (MPPA)નું સંચાલન કરશે, તે ભારતના ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં આ પ્રકારનું પ્રથમ એરપોર્ટ ટર્મિનલ હશે. 2025 ના છેલ્લા ક્વાર્ટરમાં તેના કાર્યરત થવાની અપેક્ષા છે.

અગાઉ અદાણી ગ્રુપે આગામી પાંચ વર્ષમાં કેરળમાં ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ સોમવારે અદાણી જૂથે મધ્યપ્રદેશમાં રૂ. 2,10,000 કરોડનું રોકાણ કરવાની ઘોષણા કરી હતી. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને સ્માર્ટ મીટરિંગ સુધીના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution