ઉપરવાસમાં વરસાદ થતાં ૧૦ દિવસ બાદ આજવા સરોવર ફરી ઓવરફ્લો
13, ઓગ્સ્ટ 2022 1188   |  

વડોદરા, તા.૧૨

વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવર અને સ્ત્રાવ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ થતાં ગુરુવારે રાત્રે આજવા સરોવરની સપાટી ફરી ૨૧૧ ફૂટને વટાવતાં વિશ્વામિત્રીમાં પાણી આવવાની શરૂઆત થઈ હતી. રાત્રે ૮ વાગે આજવા સરોવરની સપાટી ૨૧૧.૨૫ ફૂટ અને વિશ્વામિત્રીની સપાટી ૯ ફૂટ નોંધાઈ હતી. આમ, ૧૦ દિવસ બાદ ફરી આજવા સરોવર ઓવરફ્લો શરૂ થયો હતો.

આજવા સરોવરના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ગત તા.૧૯મી જુલાઈએ સવારે સપાટી ર૧૧ ફૂટથી વધી જતાં ૬ર દરવાજામાંથી પાણી વિશ્વામિત્રી નદી તરફ વહેતા થયા હતા. જાે કે, સતત ૧પ દિવસ આજવા સરોવર ઓવરફલો થતાં તા.ર ઓગસ્ટ સુધી વિશ્વામિત્રી નદીમાં પાણી આવવાનું જારી રહ્યું હતું. જાે કે, વરસાદે વિરામ પાળતાં ઓવરફલો બંધ થવાની સાથે ઉપરાંત દરરોજ આજવામાંથી ૧૪૫ એમએલડી પાણી લેવાતું હોઈ સપાટી ઘટીને ૨૧૦.૯૦ ફૂટ થઈ હતી.છેલ્લા બે દિવસથી વડોદરા સાથે આજવા સરોવરના ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદ થતાં ગુરુવારે રાત્રે ૮ વાગે આજવા સરોવરની સપાટી ફરી એક વખત ૨૧૧ ફૂટને વટાવતાં આજવા સરોવરમાંથી વધારાનું પાણી વિશ્વામિત્રીમાં ઠલવવાની શરૂઆત થઈ હતી અને વિશ્વામિત્રીની સપાટીમાં પણ ધીમી ગતિએ વધારો શરૂ થયો હતો. જાે કે, ઉપરવાસમાં વરસાદને પગલે આજવા સરોવરમાં પાણીની આવક સતત ચાલુ રહેતાં આજે આજવા સરોવરની સપાટી ૨૧૧.૨૫ ફૂટ અને વિશ્વામિત્રીની સપાટી ૯ ફૂટે પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે તા.૧પમી ઓગસ્ટ સુધી આજવા સરોવરનું લેવલ ૨૧૧ ફૂટ જાળવી રાખશે, ત્યાર બાદ આજવા સરોવરમાં ૨૧૨ ફૂટ પાણી ભરાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution