દિલ્હી-

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર શનિવારે ગ્રીસ પહોંચ્યા હતા. જ્યાં તેમના સમકક્ષ નિકોસ ડેંડિયાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. જયશંકરે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ગ્રીસ આપણા વ્યાપક યુરોપિયન યુનિયનના જોડાણમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. વિદેશ મંત્રીએ રવિવારે યોજાનારી ઔપચારિક વાતચીત અંગે પણ માહિતી આપી હતી.

ગ્રીસના વડા પ્રધાન ક્યારીકોસ મિત્સોટાકિસે ગ્રીસ અને ભારતના સંબંધોને જોડવા માટે એસ જયશંકરની બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે આ આપણા દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાની તક છે.

18 વર્ષ પછી ભારતીય વિદેશ મંત્રી ગ્રીસ પહોંચ્યા

ભારતીય વિદેશ મંત્રી ગ્રીસના પાટનગર એથેન્સ પહોંચ્યા ત્યારે તેમનું ગ્રીસના વિદેશ મંત્રી નિકોસ ડાંડિયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. તેમની મુલાકાત દરમિયાન, જયશંકર દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મૂકશે. તેઓ મંત્રીઓ સાથેની બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રીની આ મુલાકાત ભારત માટે પણ ખૂબ મહત્વની છે કારણ કે ભારતીય વિદેશ મંત્રી 18 વર્ષ પછી ગ્રીસ પહોંચ્યા છે.

ગ્રીસ બાદ ઇટલી જવા રવાના થશે

ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વિદેશ મંત્રી ગ્રીસ અને ઇટલીની મુલાકાતે જશે. 25 અને 26 જૂનના રોજ તે ગ્રીસમાં દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરશે. મંત્રાલયે કહ્યું કે, વર્ષ 2003 પછી, એટલે કે 18 વર્ષ પછી, કોઈ પણ ભારતીય વિદેશ મંત્રીની આ પહેલી મુલાકાત છે.

જયશંકર ઇટાલીમાં જી-20 મંત્રી પદની બેઠકમાં ભાગ લેશે. જણાવી દઈએ કે 2017માં ગ્રીસના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે આવ્યા હતા. બંને દેશો વચ્ચે આશરે 530 મિલિયન ડોલરનો દ્વિપક્ષીય વેપાર છે. ગ્રીસમાં અનેક ભારતીય કંપનીઓ હાજર છે. જેમાં આઇટી અને બાંધકામ જેવા ક્ષેત્રની 10 કંપનીઓનો સમાવેશ થાય છે.