કર્ણાટક-

કર્ણાટકનાં મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા બાદ હવે તેમના 6 કર્મચારીઓને પણ કોરોના ચેપ લાગ્યો છે. રવિવારે, મુખ્યમંત્રી યેદિયુરપ્પાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યા બાદ તેમના સ્ટાફનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 6 પોઝિટિવ જોવા મળ્યા છે. મુખ્યમંત્રીની પુત્રી પદ્માવતી પણ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે તેમના પુત્ર વિજેન્દ્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બેંગલુરુની એક હોસ્પિટલમાં મુખ્યમંત્રીની સારવાર કરવામાં આવી રહી છે.

રવિવારે સીએમ યેદિયુરપ્પાએ ખુદ ટ્વીટ કરીને કોરોના ચેપ અંગેની માહિતી આપી હતી. ટ્વિટર દ્વારા તેમણે જણાવ્યું હતું કે, મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું હવે ઠીક છું ડોકટરોની ભલામણ પર સાવચેતી રૂપે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યો છે. તે દરેક લોકો કે જેઓ તાજેતરમાં જ મારા સંપર્કમાં આવ્યા છે, હું તેઓને જાગ્રત રહેવા અને સ્વયં ક્વોરેન્ટાઇન પર જવા વિનંતી કરું છું.' 

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી, ઘણા મોટા લોકોનાં પ્રતિનિધિઓ અને રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો આ ખતરનાક વાયરસની ઝપટમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી શાહનો રિપોર્ટ રવિવારે સાંજે પોઝિટિવ આવ્યો છે. આ અગાઉ મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પણ ચેપ લાગ્યો છે. વળી ઝારખંડનાં મુખ્યમંત્રીનો સ્ટાફ પણ ચેપગ્રસ્ત છે, ઉપરાંત પી ચિદમ્બરમનાં પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.