વડોદરા, તા.૭

વડોદરા શહેરના ૬ લાખ લોકોને ૭ર કલાક સુધી દૂષિત પાણી પીવડાવ્યા બાદ આજે સત્તાધીશોની આંખ ખૂલતાં મેયર, મ્યુનિસિપલ કમિશનર, સ્થાયી સમિતિના ચેરમેન અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ રાયકા-દોડકા ખાતે પહોંચ્યા હતા અને પાણીની ગુણવત્તા સંદર્ભે ટેસ્ટિંગ રિપોર્ટને ધ્યાનમાં લઈ કહ્યું હતું કે, પાણીમાં કોઈ કેમિકલ નથી. ત્યારે હવે સત્તાધીશો દૂષિત પાણીથી બચાવવા શું ઉપાય લઈને આવ્યા છે? તે જાેવાનું રહ્યું.વડોદરા શહેરના ઉત્તર-પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં મહિસાગર સ્થિત રાયકા-દોડકા, ફાજલપુર અને પોઈચા ખાતેના ચાર ફ્રેન્ચકૂવામાંથી પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ છેલ્લાં કેટલાંક દિવસથી દૂષિત પીળું પાણી ૬ લાખ જેટલા લોકોને વિતરણ કરાતાં ફરિયાદો ઊઠી હતી. જાે કે, પાણી પૂરવઠા વિભાગ દ્વારા જીપીસીબી પાસે સેમ્પલો લેવડાવ્યા હતા. દરમિયાન આજરોજ એટલે કે ૭ર કલાક સુધી ૬ લાખ લોકોને દૂષિત પાણી પીવડાવ્યા બાદ સત્તાધીશોની આંખ ખૂલી હતી અને મેયર, મ્યુનિ. કમિશનર, સ્થાયી સમિતિના ચેરમેન, પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતના રાયકા-દોડકા પહોંચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે હવે સત્તાધીશો ૬ લાખ લોકોને દૂષિત પાણીથી બચવા શું ઉપાય લઈને આવ્યા છે? તેવું લોકો પૂછી રહ્યા છે.

જળવનસ્પતિ, લીલથી સમસ્યા સર્જાઈ ઃ મેયર

શહેરના કેટલાંક વિસ્તારોમાં ચાર દિવસ અગાઉ લીલાશ પડતાં પીળા રંગના પાણીની સમર્યા સર્જાઈ હતી. લેબોરેટરીમાં પાણીના સેમ્પલની ચકાસણી કરાઈ છે, તેમાં કેમિકલની માત્રા જણાઈ નથી. જળવનસ્પતિ અને લીલના કારણે લીલના પાર્ટીકલ્સની હાજરીના કારણે આ સમસ્યા સર્જાઈ હતી. પાણીના કલરમાં હવે સુધારો નોંધાયો છે. આગામી બે-ત્રણ દિવસમાં અગાઉની જેમ લોકોને પાણી મળતું થઈ જશે તેવી

શક્યતા છે.

પિન્કી સોની, મેયર

 પાણીના રંગમાં ૮૦ ટકા સુધારો ઃ સ્થાયી ચેરમેન

જળસંપત્તિ અને પાણી પૂરવઠા વિભાગના સંપર્કમાં રહી મહીસાગરના ઉપરવાસમાંથી કડાણા ડેમથી વધુ પાણી છોડવા માટે વિનંતી કરી હતી. ગઈકાલે વણાકબોરી ડેમમાંથી ૧૦૦ કયૂસેક, કડાણા ડેમમાંથી રપ૦ કયૂસેક પાણી છોડવામાં આવ્યું છે, જેથી પાણીના રંગમાં ૭૦-૮૦ ટકા જેટલો સુધારો નોંધાયો છે. રાયકા-દોડકાની લાઈનમાં ઈન્જેકશન ક્લોરીનેશન કરવામાં આવશે. આવનાર સમયમાં રાયકા ખાતે નવા ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજનની વિચારણા છે. ડો. શીતલ મિસ્ત્રી, ચેરમેન સ્થાયી સમિતિ

પાણીમાં કેમિકલ નથી ઃ મ્યુ.કમિશનર

જીપીસીબી દ્વારા પાણીના નમૂના લેવાયા હતા. જેના પ્રાથમિક રિપોર્ટમાં કેમિકલ એનાલિસ્ટ કર્યું છે તેમાં કેમિકલની કોઈ હાજરી નથી. બીજા પેરામીટર્સ પણ સ્પષ્ટ કહે છે કે, કેમિકલની હાજરી નથી. પીળાશ પડતું પાણી વનસ્પતિના કારણે હોઈ શકે છે. કોર્પોરેશન દ્વારા રાયકા-દોડકાના સુપર ફેસિયલ રેડિયલના વાલ્વ બંધ કરી ફ્રેન્ચવેલના ડીપમાંથી પાણી લેવાની શરૂઆત કરવામાં આવી છે.

દિલીપ રાણા, મ્યુનિ. કમિશનર

વોટર વર્કસ કમિટીના ચેરમેનનો વિસ્તાર દૂષિત પાણીથી ગ્રસ્ત ઃ ચેરમેન પરિચય બેઠકમાં વ્યસ્ત

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની વોટર વર્કસ કમિટીના ચેરમેન મહાવીરસિંહ રાજપૂરોહિતના વોર્ડમાં પણ મહીનદીના રાયકા-દોડકાથી પાણીનું વિતરણ થાય છે. ત્યારે તેમના વિસ્તારમાં પણ દૂષિત પાણી મળી રહ્યું છે. આજે પાલિકાની કચેરીમાં વોટર વર્કસ કમિટીના સભ્યોની પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે પરિચય બેઠક યોજાઈ હતી. વોટર વર્કસ કમિટીના ચેરમેને કહ્યું હતું કે, તેમના સૂચન માન્ય રાખી મેયર, ચેરમેન, કમિશનરે આજે રાયકા-દોડકાની મુલાકત લીધી હતી અને જરૂરી સૂચના આપી છે. પાણીમાં ૭૦-૮૦ ટકા સુધારો થઈ ગયો છે તેમ પણ તેમણે કહ્યું હતું.

પ્રાથમિક રિપોર્ટમાં શું આવ્યું?

જીપીસીબીના પ્રાથમિક રિપોર્ટમાં ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ૨૦૨૨ મુજબ પાણીના જે નમૂના લેવામાં આવ્યા છે તે સ્વીકૃત લીમિટમાં આવ્યા છે. જેમાં પ્લેટિનિયમ કોબાલ્ટ કલર કોડ જેની સ્વીકૃતિ મર્યાદા પ થી ૧પ છે, જેની સામે ફ્રેન્ચવેલના પાણી કલર યુનિટ ૧૦ આવી રહ્યા છે. પીવાના પાણીનું પીએચની મર્યાદા ૬.પ થી ૮.પ હોવી જાેઈએ, જે ફ્રેન્ચવેલના પાણીની પીએચ ૮.૩૮ થી ૮.૪૪ નોંધાઈ છે, જે પણ સ્વીકૃત મર્યાદામાં છે. ડિઝોલ્વડ ઓક્સિજન પાંચ એમજી કરતાં વધુ હોવું જાેઈએ, જે ૮ કરતાં વધુ છે. ફ્રેન્ચવેલના પાણીના સેમ્પલનું ટોટલ હાર્ડનેશ લેવલ ર૦૦ કરતાં ઓછું છે. જીપીસીબીના રિપોર્ટમાં કેમિકલનું પ્રદૂષણ જણાયું નથી.

શહેરના ૬ લાખ લોકોને પીળાં પાણી માટે જવાબદારો પાણીની તપાસ માટે ગયાં ત્યારે તેમનાં ટેબલ પર જ બિસલેરીનું પાણી

વડોદરા કોર્પોરેશનને મેયર, સ્થાયી સમિતિના ચેરમેન મ્યુનિ.કમિશનર તેમજ પાણી પુરવઠાના ઉચ્ચ અધિકારીઓ દૂષિત પાણીના સમસ્યાના નિરાકરણ માટે ફ્રેન્ચવેલ ખાતે ગયા પણ બીજી બાજુ ફ્રેન્ચવેલ ખાતે તેમના ટેબલ પર બીસલરીનું પાણી જાેવા મળતાં આશ્ચર્ય સર્જાયુ હતું.