હાઈકોર્ટના ઝટકા બાદ નીતિન પટેલે કહ્યું, ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ હાર ભાળી ગઈ છે
19, ફેબ્રુઆરી 2021

ગાંધીનગર-

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક જ દિવસે મતગણતરી કરવા માટે ગુજરાત કોંગ્રેસે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પણ હાઈકોર્ટે કોંગ્રેસની અરજીની ફગાવી દઈને ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ મત ગણતરી થશે તેમ જણાવ્યું હતું. જે મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કોંગ્રેસને આડેહાથ લીધી હતી અને ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ હાર ભાળી ગઈ છે તેમ કહ્યું હતું. નીતિન પટેલે કહ્યું કે, ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાની તૈયારી છે. ૨૧મી તારીખે મનપા માટે વોટિંગ થવાની છે. પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા સભાઓ રાખવમાં આવી છે.

ગુજરાતની જનતા ભાજપ પરનો વિશ્વાસ કાયમ રહેશે. આગળ જતાં નીતિન પટેલે મતગણતરી અંગે હાઈકોર્ટમાં કરેલી અંગે અરજી અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે હાઈકોર્ટે એક જ દિવસે ગણતરીની અરજી ફગાવી દીધી છે, જેથી હવે કોઈ સંશય રહેતો નથી. ૨૧ તારીખે જ મતદાન થશે તેની ૨૩ તારીખે મતગણતરી થશે. અને મનપાના પરિણામો જાહેર થશે. ૨૮ તારીખે નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની ચૂંટણીઓનું મતદાન થશે. આમ રાજ્ય ચૂંટણી પંચની તરફેણમાં હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે. કોંગ્રેસની અરજી હાઈકોર્ટે રદ કરી છે. કોંગ્રેસના નેતાઓ માનસિક રીતે આ ચૂંટણી હારી ચૂક્યા છે.

એમણે હથિયાર હેઠા મૂકી દીધા છે. કોંગ્રેસ આંતરિક ખેંચતાણને કારણે પ્રજા સુધી જઈ શકી નથી. તો રેલીઓમાં ભાજપ નેતાઓ દ્વારા કોરોના નિયમ ભંગ મામલે નીતિન પટેલે કહ્યું કે, મોટા ભાગના નેતાઓ માસ્ક પહેરે છે અને નિયમો પાળે છે. જ્યારે હજારો કાર્યકરો નીકળે છે ત્યારે સામાન્ય નાગરિકો સ્વાગત કરવા માટે આવે છે. ત્યારે ભીડ એકત્ર થઈ જાય છે. પોલીસ દ્વારા સતત જાગૃતિ અને પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકો નિયમોનું પાલન કરે. ગુજરાતમાં કેસો ઘટવા લાગ્યા છે. અને સંપુર્ણ નાબૂદ ન થાય ત્યાં સુધી નિયમો પાળે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution