સ્મીમેર હોસ્પિટલ કેન્ટીનની ડાયેટિશિયનની હત્યા બાદ લાશ લાકડાની પેટીમાં મૂકી સીમેન્ટ પાથરી દીધી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, એપ્રીલ 2026  |   1188

સ્મીમેર હોસ્પિટલની કેન્ટીનમાં ડાયેટિશિયન તરીકે ફરજ બજાવતી યુવાન પરિણીતાની હત્યા કરી લાશ લાકડાની પેટીમાં મૂકી સીમેન્ટ પાથરી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હત્યાકાંડ કરી ફરાર થઇ ગયેલા પતિની પોલીસે શોધખોળ આદરી છે. મળતી માહિતી અનુસાર છત્તીસગઢનાં બસ્તર જિલ્લાના વતની પ્રદીપભાઇ ફકીરાભાઇ કોસ્ટાએ તેમની મોટી દીકરી શિલ્પાનાં લગ્ન વિશાલ રણછોડભાઇ સાલવી સાથે કરાવ્યા હતા. નવેમ્બર ૨૦૧૦માં લગ્ન થયા બાદ શિલ્પા વિશાલ સાલવી સાથે સુરતમાં ગોડાદરા વિસ્તારમાં રહેવા માંડી હતી. તેઓને બે સંતાનો થયા હતા. જેમાં દિકરો આરવ હાલ ૧૩ વર્ષનો જ્યારે દીકરી નિતારા ૮ વર્ષની છે.

શિલ્પા સાથે લગ્ન થયા ત્યારે વિશાલ ડાયમંડ કંપનીમાં કામ કરતો હતો. જ્યારે શિલ્પાએ ડાયેટિશિયનનો કોર્ષ કર્યો હતો. તેણીને સ્મીમેર હોસ્પિટલની કેન્ટીનમાં નોકરી પણ મળી ગઇ હતી. ડાયેટિશિયનની નોકરી મળતાં આ દંપતીનું ગુજરાન વ્યવસ્થિત ચાલવા માંડ્યું હતું. જાે કે, થોડા જ સમયમાં વિશાલ પત્ની શિલ્પા અંગે શંકા કરવા માંડ્યો હતો. ડાયમંડનું કામ બંધ થઇ ગયા બાદ તે શંકાશીલ બની ગયો હતો. ચાલ ચલગત અંગે આડી અવળી વાતો કરી તે શિલ્પા સાથે ઝઘડો કરવા માંડ્યો હતો. શિલ્પા તેના પિતાને વિશાલનાં વર્તન અને ત્રાસ અંગે વાત કરતી હતી. પિતા પ્રદીપ કોસ્ટા અવાર નવાર સુરત આવતા અને વિશાલને સમજાવતા પણ હતાં.

દાંપત્ય જીવનનાં ૧૬ વર્ષ બાદ ગત ૨૧મી એપ્રિલે શિલ્પા અચાનક ગાયબ થઇ ગઇ હતી. પિતાએ કોલ કર્યો તો ફોન સ્વીચ ઓફ આવતો હતો. તેમણે જમાઈ વિશાલને કોલ કરીને પૂછ્યું તો તેણે સીધો જવાબ આપ્યો ન હતો. હું ૨૦મી તારીખે શિલ્પાને સ્મીમેર હોસ્પિટલ મૂકી આવ્યો હતો, ત્યારબાદ કે ઘરે આવી નથી. જમાઇના મોઢે આ વાત સાંભળી ચિંતાતુર બનેલા પ્રદીપ કોસ્ટા તેમના પત્ની અને દિકરા સાથે સુરત દોડી આવ્યા હતાં.

તેઓ વિશાલને મળ્યા અને શિલ્પા અંગે પૂછ્યું હતું. વિશાલે ફરી સ્મીમેરની સ્ટોરી કરી હતી. જાે કે, પ્રદીપભાઇએ શિલ્પા ચાર દિવસથી લાપતાં છે તો આપણે પોલીસને જાણ કરવી જાેઈએ એવી વાત કરી હતી. ત્યારબાદ તેઓ ૨૪મી તારીખે રાત્રે વિશાલને લઇ ગોડાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને શિલ્પાના મીસીંગની ફરિયાદ આપી હતી. બાદમાં ગઇકાલ એટલે કે ૨૫મી તારીખે રાત્રે વિશાલ ઘરે ગયો અને દિકરા આરવે નીચે બોલાવ્યો હતો. આરવના હાથમાં એક ચિઠ્ઠી આપી હું જાઉં છું એમ કહી વિશાલ ફરાર થઇ ગયો હતો.

માસૂમ આરવે ચિઠ્ઠી વાંચી તો તેમાં માતા શિલ્પા અંગે લખેલું હતું, તેણે ચિઠ્ઠી અંગે નાના પ્રદીપને જાણ કરી અને તેઓ ફરી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. ચિઠ્ઠીમાં જણાવ્યા અનુસાર પોલીસની ટીમ સહારા દરવાજા, કાગજીની ચાલમાં આવેલા જુના મકાને પહોંચી હતી. ત્યાં તાળુ તોડી તપાસ કરાઇ તો શિલ્પાનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે અંદર જાેયું તો, લાકડાની પેટીમાં પડેલી મૃતદેહ ઉપર સીમેન્ટ નાંખી દેવામાં આવી હતી. સીમેન્ટથી દાટી દેવાયેલો મૃતદેહ ડીકમ્પોઝ થઇ ગયો હતો. શિલ્પાની હત્યા કરી વિશાલ ફરાર થઇ ગયો હોય તેની સામે સલાબતપુરા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાવાયો હતો.

સીસી કેમેરાથી બચવા ગલીમાંથી શિલ્પાને જુના મકાનમાં લઈ ગયો હતો

વિશાલે દિકરાને આપેલી ચિઠ્ઠીનાં કારણે શિલ્પાનો મૃતદેહ સહારા દરવાજા પાસે કાગજીની ચાલમાં આવેલા મકાનમાંથી શોધી શકાય હતી. સલાબતપુરા પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલવા સાથે વિશાલ ક્યારે અને કેવી રીતે શિલ્પાને અહીં લાવ્યો એ શોધવા માંડ્યું હતું. સહારા દરવાજા પોલીસ ચોકીથી કાગજીની ચાલ અને આરકેટી માર્કેટ સુધીનાં એરિયા ઇન્સ્ટોલ કરાયેલા તમામ સીસી કેમેરાનાં ૨૧ અને ૨૨ તારીખના ફૂટેજ મેળવી લેવાયા હતાં. જાે કે, એકેય કમેરામાં વિશાલ કે શિલ્પેશ દેખાયા ન હતા. જેથી વિશાલે સીસી કેમેરાથી બચાવી શિલ્પાને પાતળી ગલીઓમાંથી જુના ઘરે લઇ ગયો અને પછી હત્યા કરી હોવાનો અંદાજ પોલીસ લગાવી રહી છે.

સીમેન્ટમાંથી નગ્ન અવસ્થામાં શિલ્પાનો મૃતદેહ મળતા અનેક શંકા કુશંકા જન્મી

પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર કાગજીની ચાલના જુના મકાનમાં પહેલા માળે આવેલી પતરાની રૂમમાં પડેલી લાકડાની પેટીમાંથી શિલ્પાનો મૃતદેહ મળ્યો હતો. પેટીમાં મૃતદેહ મૂક્યા બાદ તેની ઉપર કોરી સીમેન્ટ નાંખી દેવામાં આવી હતી. પોલીસને પાંચમાં દિવસે મૃતદેહ મળ્યો ત્યારે તે ડીકમ્પોઝ થઇ ચૂક્યો હતો. મૃતદેહનાં શરીર પરથી કપડાં પણ મળ્યા ન હતાં. નગ્ન અવસ્થામાં મૃતદેહ મળ્યો એ સાથે અનેક શંકા કુશંકા પણ જન્મી હતી. વિશાલે મૃતદેહ ઝડપથી સડી જાય એ ઇરાદે કપડા કાઢી નાંખ્યા હોવાની સંભાવના પણ બહાર આવી હતી. સ્થળ સ્થિતિ અને મોડસ ઓપરેન્ડી જાેતા વિશાલ ઘણા સમયથી હત્યાની તૈયારી કરી રહ્યાનું પણ જણાય આવ્યું હતું.

શિલ્પા સાલવે નવું કલીનીક જમાવે એ પહેલા પતિની શંકાનો ભોગ બની

૩૯ વર્ષ ઉંમરની શિલ્પા સાલવી ડાયેટિશિયન હતી. સ્મીમેર હોસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં કેન્ટીંન ચલાવનારે તેણીને નોકરીએ રાખી હતી. તે સ્મીમેરની કર્મચારી ન હતી. સ્મીમેરનાં દાખલ થતાં દર્દીઓને કેન્ટીનમાંથી ભોજન અપાય છે. કયા દર્દીને કેવું ભોજન આપવું એ શિલ્પા સુનિશ્ચિત કરતી હતી. આ નોકરી સાથે બે મહિના પહેલા જ શિલ્પાએ પાલ આરટીઓ સામે પોતાનું ક્લિનિક શરૂ કર્યું હતું. શિલ્પા‘સ ક્લિનિક નામથી શરૂ કરાયેલા પોતાના નવા સાહસને લઇ તે ખાસ્સી ઉત્સાહિત હતી. શિલ્પાએ સોશિયલ મીડિયામાં તેના પેશન્ટનાં રીવ્યુ કહો કે અનુભવનાં વીડિયો પણ શેર કર્યા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution