અમદાવાદ: 40 હજાર સિનિયર સિટિઝનને રસી મુકાઈ, 2 મહિનામાં આટલા લાખનો ટાર્ગેટ
08, માર્ચ 2021 495   |  

અમદાવાદ,તા.૮

સિનિયર સિટિઝન માટે પહેલી માર્ચથી દેશવ્યાપી કોરોના વેક્સિનેશન પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. સરકારની પહેલી પ્રાયોરિટી ૬૦ વર્ષ અને તેથી વધુના સિનિયર સિટિઝનને રસી આપવાનો છે. પરંતુ ૪૫ વર્ષથી વધુ વય ધરાવતા અને ગંભીર બીમારી ધરાવતા લોકોને રસીમાં પ્રાથમિકતા અપાઈ છે. ખાસ કરીને કેન્સર, લીવર, કિડની અથવા હાર્ટની સર્જરી કરાવી હોય,પથારીવશ હોય, ડાયાબિટીસ- બ્લડપ્રેશરના કારણે આડઅસરો થઈ હોય એવા દર્દીને જ સિનિયર સિટિઝનની સાથે રસી મૂકાશે. પરંતુ જેમની ઉંમર ૪૫ વર્ષ કે તેથી વધુ હોય અને ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશર નિયંત્રણમાં છે તેમને હાલ રસી મૂકવામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આવા લોકોને રસી લેવા હજુ બે મહિનાની રાહ જાેવી પડશે.

મ્યુનિ. હેલ્થ વિભાગના આંકડાં મુજબ અમદાવાદમાં ૬૦ વર્ષ કરતા વધુ વયના લગભગ ૪૦ હજાર સિનિયર સિટિઝનને કોરોનાની રસી મૂકાવી છે. જેમાંથી અત્યાર સુધી એક પણ વ્યક્તિને ગંભીર આડઅસર થઈ નથી. મ્યુનિ. સંચાલિત ૭૪ અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત કોર્પોરેશનની હોસ્પિટલ, અસારવા સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં રોજેરોજ ફ્રન્ટ લાઈન વર્કર, હેલ્થ વર્કર, સિનિયર સિટિઝન અને ૪૫ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડિટી ધરાવતા લોકોને કોરોના વિરોધી રસી અપાઈ રહી છે. રસી મૂકાવવા નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યોં હોવાથી અર્બન હેલ્થ સેન્ટર અને સરકારી હોસ્પિટલોમાં સવારના સમયે લાઈનો જાેવા મળે છે.

કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ડૉ. ભાવિન સોલંકીએ કહ્યું કે, રસી મૂકાવવા સિનિયર સિટિઝનનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં શહેરમાં ૪૦ હજારથી વધુને રસી મૂકાઈ છે. હજુ પાંચ લાખ સિનિયર સિટિઝનને રસી મૂકવાનો ટાર્ગેટ છે. જેમાં બે મહિનાનો સમય લાગશે. ખાસ કરીને ૪૫ વર્ષ કરતા વધુ ઉંમર ધરાવતા હોય અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં હોય તેમજ કોઈ આડઅસર ના હોય તેમને હાલ વેક્સિન આપવાની નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution