અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ-વે ભાવનગર સુધી લંબાશે; ૩ મહિનામાં કામગીરીનો પ્રારંભ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુલાઈ 2026  |   3069

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના હાઈવે અને એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ્સની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ગડકરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના નેશનલ હાઈવેના વિકાસ માટે સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માંથી વધુ નાણાં મેળવવા રાજ્ય સરકારને તાત્કાલિક દરખાસ્ત મોકલવા અનુરોધ કર્યો હતો.

અમદાવાદ–વડોદરા એક્સપ્રેસ-વે હવે ૮ લેન થશે

૯૩ કિલોમીટરના અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ-વેને ચારમાંથી ૮ લેઈનમાં પરિવર્તિત કરવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડતરીએ મંજૂરી આપી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં તેમણે ગુજરાતની આ માંગણી પરત્વે ર્નિણય કરીને વર્ષ ૨૦૨૭માં જ વિસ્તરણનું કાર્ય શરૂ કરવાની ખાતરી આપી હતી.

ગુજરાતનું જમીન સંપાદન મોડલ દેશ માટે ઉદાહરણ

ડીપીઆર તૈયાર થતી વખતે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનને સરળ બનાવવા બિનખેતી મંજૂરીની કાર્યવાહી ૬૦ દિવસ માટે સ્થગિત રાખવાના ગુજરાત મોડલની નીતિન ગડકરીએ પ્રશંસા કરી અને તેને સમગ્ર દેશ માટે અનુસરવા યોગ્ય ગણાવ્યું. રોડ વિસ્તરણ દરમિયાન માર્ગમાં આવતા વૃક્ષોને શક્ય હોય ત્યાં સુધી કાપવાને બદલે ટ્રાન્સપ્લાન્ટ કરીને અન્યત્ર રોપવાની સૂચના આપવામાં આવી જેથી વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution