લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, જુલાઈ 2020 |
1485
અમદાવાદ-
અમદાવાદ જિલ્લાના ધોળકાના ધોળી ગામ પાસે આવેલી કંપનીમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે. ચિરીપાલ ઇન્ડસ્ટ્રયલ એસ્ટેટમાં આવેલી વિશાલ કંપનીમાં ઝેરી ગેસ ગળતર થતા 4 કામદારોના મૃત્યુ થયા છે. બનાવની જાણ થતાં પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યુ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કંપનીમાં જિન્સ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ચેમ્બરમાં એક કામદાર સફાઈ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક ગેસ ગળતર થયું હતું તેને બચાવવા માટે અન્ય કર્મચારી પણ ઉતર્યો હતો. જે બાદ સ્થિતિ વધુ વણસતા અન્ય બે કર્મચારીઓ પણ ચેમ્બરમાં ઉતર્યા હતા. જેના પગલે આ ચારેય કામદારોનું ગેસ ગળતરના કારણે મોત નિપજતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, ચીરીપાલ ગ્રુપની કંપની ઝેરી કેમિકલવાળુ પાણી પણ કંપની બહાર ગેરકાયદે તળાવ બનાવી છોડી રહી હોવાની માહિતી પણ અગાઉ સામે આવી ચુકી છે.