મુંબઈ-

IPLની વિવિધ ટીમમાં ઓછામાં ઓછા ૧૫ ખેલાડીઓ ગુજરાતના છે. જેમાં રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, હાર્દિક અને કૃણાલ પંડયા, અક્ષર પટેલ, સ્મિત પટેલ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. સીવીસી કેપિટલ પાર્ટનર્સની આ નવી ફ્રેન્ચાઈઝ હવે પછીની પ્લેયર્સની હરાજીમાં કયા નવા નેશનલ, ઈન્ટરનેશનલ અને ખાસ તો ગુજરાતી પ્લેયર્સ ખરીદી શકે છે તેના પણ આવનારા સમયમાં તેની લોકપ્રિયતાનો આધાર રહેલો છે.ઈન્ડિયન પ્રિમિયર લીગની હવે પછીની આવૃત્તિમાં અમદાવાદની પણ નવી ટીમ ઉમેરાશે. સોમવારે દુબઈમાં થયેલી બે નવી ટીમની હરાજીમાં અમદાવાદની ટીમ માટે સીવીસી કેપિટલ પાર્ટનર્સ દ્વારા રૂ. ૫,૬૩૫ કરોડની બિડને સ્વીકૃતિ મળી છે. 

અમદાવાદના ક્રિકેટ રસિયાઓ અને ખાસ કરીને આઈપીએલના શોખીનો આવતા વર્ષથી જ આ નવી ટીમ માટે હાર્ડકોર ફેન બની જાય અને આ નવી ટીમને બહુ મોટો ફેન-બેઝ હાંસલ થાય તેવી શક્યતા હાલ તો જણાતી નથી. આની પાછળના કારણો જણાવતા ક્રિકેટ વિવેચકો જણાવે છે કે, ૨૦૦૮થી મહદ્‌ અંશે દર વર્ષે રમાતી આવતી આઈપીએલ ટૂર્નામેન્ટની મોટાભાગની સક્ષમ ટીમમાં દેશભરના ચાહકોની જેમ અમદાવાદ અને ગુજરાતના ક્રિકેટ રસિયાઓ પણ ચુસ્તપણે વહેંચાઈ ચૂક્યા છે. કેટલાક ચાહકો જે તે ટીમની વીનેબિલિટીના આધારે ફેન બન્યા છે, કેટલાક જે તે ટીમના ઓનર્સના કારણે. જેમ કે, મુંબઈ ઈન્ડિયન્સના ફેન બનવાનું મુંબઈ સિવાયના શોખીનો માટે કારણ રિલાયન્સ અને સચિન તેંડુલકર હોઈ શકે.

કોલકતા નાઈટ રાઈડર્સ માટે શાહરૂખ ખાન, પંજાબ માટે પ્રીટિ ઝિન્ટા અને રાજસ્થાન રોયલ્સની લોકપ્રિયતા માટે કેટલાક વર્ષો સુધી શિલ્પા શેટ્ટી પણ જવાબદાર હતા. જેમ જેમ આઈપીએલનું ઘેલું વધતું ગયું તેમ જે તે ટીમના પ્લેયર્સનું ય ખાસ આકર્ષણ રહ્યું. ચેન્નાઈ માટે ધોની તો આરસીબી માટે વિરાટ કોહલીનું આકર્ષણ રહ્યું છે. આમ, અમદાવાદની નવી ટીમની લોકપ્રિયતાનો આધાર પહેલા તો આ નવી ટીમમાં કયા પ્લેયર્સનો સમાવેશ થાય છે તેના પર રહેલો છે. કારણ કે, આ ટીમ નવી આવૃત્તિમાં કેટલું કાઠું કાઢશે તેનું અનુમાન તો તેના પ્લેયર્સ પરથી જ થાય.