અમદાવાદ-

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાંથી 2 દિવસ અગાઉ 7 વર્ષની બાળકી ગુમ થઇ જતા પોલીસ દોડતી થઇ હતી જેના પગલે આ સમગ્ર કેસ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી.બાળકીનો મૃતદેહ ઓગણજ પાસેથી મળી આવ્યો હતો. ક્રાઇમબ્રાંચ દ્વારા ગણતરીના કલાકોમાં જ સમગ્ર કેસ ઉકેલી નાખવામાં આવ્યો હતો. બાળકીની માતા અને તેના માનેલા ભાઇ દ્વારા બાળકીની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

2 દિવસ પહેલા ગોતા હાઉસિંગ ખાતેથી 7 વર્ષની એક બાળકી ખુશી રાઠોડ ગુમ થઇ હતી. આ અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસમાં કોઈ ગેંગ દ્વારા આ કામ થયું હોવાનું પોલીસ માની રહી હતી. સ્થાનિક પોલીસ પાસેથી કેસ લઇને ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવ્યો હતો. ક્રાઇમબ્રાંચે ગણતરીના સમયમાં જ સમગ્ર ભેદ ઉકેલી નાખ્યો હતો. ઓગણજ ટોલનાકા નજીકથી 7 વર્ષની બાળકી ખુશીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. બાળકીનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.હત્યારો બાળકીનો પરિચિત હોવાનું જ સામે આવ્યું છે.બાળકીની માતાનો માનેલા ભાઇ દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનું હાલ તો પોલીસનું માનવું છે, પરંતુ બાળકીની માતાની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાનું પોલીસ જણાવી રહી છે. જો કે આ અંગે હજી વધુ તપાસ ચાલુ છે.