લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ફેબ્રુઆરી 2026 |
2178
જુનાગઢ પાકિસ્તાનના કરાચીની જેલમાં રહેલા ઉના તાલુકાના ચીખલી ગામના માછીમાર ભગાભાઈ બામણીયા અચાનક બીમાર થતા તેને પાકિસ્તાનની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. જ્યાં ગત ૧૬મી જાન્યુઆરીના દિવસે તેમનું અવસાન થયું હતું. ગંભીર હાલતમાં કરાચી જેલમાંથી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા માછીમાર ભગાભાઈ સાથે માનવ અધિકારોનું હનન થાય તે પ્રકારે હોસ્પિટલના પલંગ પર લોખંડની બેડીઓ સાથે બાંધીને સારવાર કરવામાં આવતી હોય તેવો વીડિયો સામે આવ્યો છે, જેને લઈને માછીમારોમા પાકિસ્તાન સામે રોષ જાેવા મળી રહ્યો છે. પાછલા કેટલાક વર્ષથી ભારતીય માછીમારો માટે પાકિસ્તાનની જેલ મોતની જેલ બની રહી છે, જેલમાં રહેલા ભારતના માછીમારો બીમાર થતાં સારવારની કોઈ યોગ્ય સુવિધા ન હોવાને કારણે અત્યાર સુધી અનેક માછીમારોએ પોતાનો જીવ પાકિસ્તાનની જેલ અને હોસ્પિટલમાં ગુમાવ્યો છે. જેમાં વધુ એક હતભાગી માછીમાર તરીકે ૩૮ વર્ષના ભગાભાઈ બામણીયાનું નામ પણ ઉમેરાયું છે. ઉના તાલુકાના ચીખલી ગામના ભગાભાઈ બામણીયા નામના માછીમાર કરાચીની જેલમાં બંધ હતા, ત્યારે અચાનક બીમાર પડતા તેમને પાકિસ્તાનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ૧૬મી જાન્યુઆરીના દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. કરાચીની જેલમાં રહેલા ભારતના બંધક માછીમારો બીમાર પડવાની સ્થિતિમાં તેમને કરાચીની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. જ્યાં ભગાભાઈ બામણીયા જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, ત્યારે તેમને પગમાં લોખંડની બેડી સાથે હોસ્પિટલના પલંગ સાથે બાંધવામાં આવ્યા હતા. આ પ્રકારનો અમાનવીય વ્યવહાર અને માનવ અધિકારોનું ઉલ્લંઘન પાકિસ્તાનના સત્તાધીશો કરી રહ્યા હોવાનો સીધો આરોપ સમુદ્ર સુરક્ષા શ્રમિક સંઘના પ્રમુખ અને માછીમારોની સમસ્યા સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે વાતચીતનું માધ્યમ બનેલા બાલુભાઈ સોચાએ કરી છે.