દિલ્હી-

દૂબઈ એરપોર્ટ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટને 15 દિવસ માટે અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. બે વાર કોરોના વાયરસ પૉઝિટીવ મુસાફરોને બેસાડવાના કારણે ફ્લાઈટ પર આ રોક 18 સપ્ટેમ્બરથી લઈને 3 ઓક્ટોબર સુધી રહેશે. એર ઈન્ડિયા એક્સપ્રેસે દૂબઈ લઈ ગયેલા કોરોના વાયરસ દર્દીઓની બધી મેડિકલ અને ક્વૉરંટાઈનના ખર્ચા પણ ઉઠાવવા પડશે. એર ઈન્ડિયા એક્સપ્રેસ પર આરોપ છે કે તપાસમાં રિપોર્ટ પૉઝિટીવ આવવા છતાં તેની ફ્લાઈટમાંથી બે વાર કોરોના વાયરસ પૉઝિટીવ મુસાફરોને યાત્રા કરાવવામાં આવી.

દૂબઈના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે કહ્યુ, 'તમને અમારા છેલ્લા પત્ર વિશે ખબર છે, જે 2 ડિસેમ્બરે એટલા માટે લખવામાં આવ્યો હતો કારણકે એક યાત્રીને કોરોના વાયરસ પૉઝિટીવ ટેસ્ટ હોવા છતાં પણ ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા જેણે ફ્લાઈટમાં બેઠેલા અન્ય યાત્રીઓના જીવનને પણ જાેખમમાં મૂક્યા અને ખુદ પણ ગંભીર આરોગ્ય જાેખમનુ કારણ બન્યા.' આમાં આગળ કહેવામાં આવ્યુ છે કે સંક્રમિત દર્દીઓને યાત્રા કરાવવી કોરોના વાયરસ મહામારી દરમિયાન દૂબઈથી આવતા જતા વિમાનોના હવાઈ યાત્રા સંબંધિત નિયમોનુ પણ ઉલ્લંઘન છે.