શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા અમદાવાદમાં પણ હવે ઠેર ઠેર એર પ્યોરીફાયર લગાવાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, ફેબ્રુઆરી 2026  |   2376

અમદાવાદ,  વિકાસનાં મામલે અનેક શહેરોને પાછળ છોડી દેનારા અમદાવાદ મહાનગરપાલિકાનાં સત્તાધીશોએ વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરી શહેરીજનોના સ્વાસ્થ્યની ચિંતા કરવામાં દેશભરમાં અગ્રેસર રહેલાં જયપુરનું અનુકરણ કરી શહેરમાં ઠેર ઠેર આધુનિક ટેકનોલોજી ધરાવતાં એર પ્યોરીફાયર લગાવવાનો ર્નિણય લીધો છે.મ્યુનિ. સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણી તેમજ ડે.મેયર જતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોઇ રાજ્ય કે મહાનગરપાલિકા નાગરિકલક્ષી નમૂનારૂપ કામગીરી કરે તો તેનું અનુકરણ કરવામાં સહેજપણ નાનપ અનુભવવી જાેઇએ નહિ અને આ બાબતને ધ્યાને લઇ અમે રાજસ્થાનના જયપુર શહેરનું અનુકરણ કરવાનું નક્કી કર્યું છે. જયપુર મહાનગરપાલિકાના શાસકોએ નાગરિકોને વાયુ પ્રદૂષણથી રાહત આપવા માટે જાહેર માર્ગાે ઉપર લાઇટનાં થાંભલાઓ ઉપર મીની એર પ્યોરીફાયર લગાવ્યાં છે. આ મીની એર પ્યોરીફાયર જર્મન ટેકનોલોજીથી બનેલાં છે અને ડેન્માર્કની કંપનીએ બનાવ્યા છે, આ એર પ્યોરીફાયર હવામાંથી ધૂળ-સિમેન્ટનાં રજકણો તથા ધુમાડા ખેંચી લઇને સ્વચ્છ હવાનો પ્રવાહ છોડવાનું કામ કરે છે.જયપુરમાં એર પ્યોરીફાયરથી વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે તેને ધ્યાને લઇ અમદાવાદમાં પણ ઠેર ઠેર આ પ્રકારનાં એર પ્યોરીફાયર લગાવવામાં આવશે તેવી માહિતી આપતાં તેમણે કહ્યું કે, વાયુ પ્રદૂષણને અંકુશમાં રાખતાં વૃક્ષો ઉપર મોટા પ્રમાણમાં ધૂળ જામી જાય છે તેનાથી વૃક્ષોની કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજન છોડવાની ક્ષમતા ઘટતી હોવાથી પાણીનાં ઝીણા ફુવારા છોડતા મિસ્ટ મશીનથી રોડ સાઇડનાં વૃક્ષો ઉપર પાણીનો છંટકાવ ચાલુ કરાવી દેવામાં આવ્યો છે.આ સિવાય શહેરનાં લગભગ તમામ વિસ્તારોમાં બાંધકામ સાઇટો ધમધમતી હોય છે, તેમજ રિડેવલપમેન્ટની સ્કીમો અને નાગરિકોનાં પોતાનાં ઘરમાં નાનામોટા રિપેરિંગનાં કારણે પણ ધૂળ-સિમેન્ટનાં રજકણો હવામાં ફેલાઇને રોડ-ફૂટપાથ ઉપર જામતાં હોય છે. તેનાથી શહેરની સ્વચ્છતા અને સુંદરતાને અસર થતી હોવાથી સોલીડ વેસ્ટ ખાતાને ગટરનાં ટ્રીટ થયેલાં પાણી ન્યૂસન્સ ટેન્કરોમાં ભરી લાવીને આંતરે દિવસે જુદા જુદા વિસ્તારનાં રોડ ધોવાની સૂચના આપવામાં આવી છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution