વડોદરા : વડોદરાની સેન્ટ્રલ જેલમાં રખાયેલા વડોદરાનો કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાણિયાની જેલમાં જ ખુંખાર મહાલીંગમ ગેંગના સભ્ય દ્વારા કરાયેલી કરપીણ હત્યાના બનાવમાં આજે અજ્જુ કાણિયાના હત્યાની ફરિયાદ નોંધાવનાર કેદીને આ બનાવ સંદર્ભે નિવેદન માટે ચીફકોર્ટમાં રજુ કરાયો હતો જયાંથી પરત ફરતા તેણે અજ્જુ કાણિયાની હત્યા પુર્વઆયોજીત કાવત્રુ હોવાનો અને એક કેદીએ ઈશારો કરતા જ અન્ય કેદીએ તેની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.
વાડી વિસ્તારમાં રહેતો નામચીન આરોપી અઝરુદ્દીન મહંમદભાઈ સિંધી ઉર્ફે અજ્જુ અજ્જુ કાણિયાની વાડી પોલીસે ખંડણીના ગુનામાં ધરપકડ બાદ તેન વડોદરાની સેન્ટ્રલ જેલમાં જ્યુડીશિયલ કસ્ટડી હેઠળ મોકલ્યો હતો. જેલમાં મોબાઈલ કી દુકાન તરીકે કુખ્યાત અજ્જુ કાણિયાએ જેલમાં પણ ગેંગ બનાવી હતી જેના કારણે તેને જેલમાં વડોદરાના પાણીગેટના લુંટ વીથ મર્ડરના ગુનામાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા સુનિલ ઉર્ફ સાહીલ મહેશભાઈ પરમાર તેમજ તેના સાગરીતો કિરણ ઉર્ફ બોડિયો સોલંકી અને આફતાબ ઉર્ફ શિવા મહાલીંગ વચ્ચે વર્ચસ્વ માટે અથડામણના ચાલતી હતી. ગત ૧૪મી ઓક્ટોબરના સવારે અગિયાર વાગે ટેલિફોન બુથ પરથી પોતાના સાથીદાર મોહસીન શરીફખાન પઠાણ સાથે બેરેકમાં જઈ રહેલા અજ્જુ કાણિયા પર સુનિલ ઉર્ફ સાહિલ, કિરણ ઉર્ફ બોડિયો અને આફતાફ ઉર્ફ શિવાએ અચાનક હુમલો કર્યો હતો જેમાં સુનિલે ધારદાર પતરુ અજ્જુ કાણિયાના ગળા પર ફેરવી દેતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં ઉક્ત હુમલાખોર ત્રિપુટી વિરુધ્ધ મોહસીન પઠાણે રાવપુરા પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવમાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં અજ્જુ કાણિયો સાહિલને વારંવાર જાહેરમાં અપશબ્દો બોલી અપમાન કરતો હોઈ તેના કારણે સુનિલ ઉર્ફ સાહિલે અજ્જુ કાણિયા પર હુમલો કરી તેની હત્યા કરી હોવાની વિગતો સપાટી પર આવી હતી. અજ્જુ કાણિયાની હત્યા સમયે જેલમાં સીસીટીવી કેમેરા બંધ હોઈ તેના ફુટેજ રાવપુરા પોલીસને મળી શક્યા નહોંતા તેમજ અજ્જુ કાણિયાના પરિવારજનોએ પણ પોલીસ અને જેલતંત્ર પર આક્ષેપો કર્યા હતા. આ આક્ષેપો સંદર્ભે આજે આ કેસના ફરિયાદી મોહસીનને ચીફકોર્ટમાં નિવેદનની કાર્યવાહી માટે રજુ કરાયો હતો.
જેલમાંથી પરત ફરતી વખતે મોહસીને મિડિયા સમક્ષ એવો આક્ષેપ કર્યો હતો કે અજ્જુ કાણિયાની હત્યા આકસ્મિક નહોંતી પરંતું આરોપીઓએ પુર્વઆયોજીત કાવત્રુ રચીને કરી હતી. તે અને અજ્જુ બેરેકમાં જતા હતા તે સમયે તેઓની સામે ધસી આવેલી ત્રિપુટી પૈકી શીવાએ ઈશારો કરતા જ સુનિલ ઉર્ફ સાહીલે તેના ગળા પર ધારદાર પતરાની પટ્ટી ફેરવી દઈ તેની હત્યા કરી હતી. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે રાવપુરા પોલીસ કહે છે કે અજ્જુ કાણિયાની હત્યા સમયે જેલમાં સીસીટીવી કેમેરા બંધ હતા જેથી તેના ફુટેજ મળી શક્યા નથી પરંતું તે સમયે કેમેરા ચાલુ હતી અને કેમેરાની સામે જ હત્યાનો બનાવ બન્યો છે. જાેકે આ બનાવ અંગે રાવપુરા પોલીસ મથકના પીઆઈ વિજય મહિડાએ જણાવ્યું હતું કે મોહસીનને આજે કોર્ટમાં ૧૬૪ મુજબ નિવેદન માટે નથી લઈ જવાયો અને બનાવ વખતે જ નહી પરંતું તેના ઘણા દિવસ અગાઉથી જેલમાં સીસીટીવી કેમેરા બંધ હતા જેથી મોહસીને કરેલા આક્ષેપો બોગસ છે.
Loading ...