વડોદરા, તા.૩

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી અને લોકડાઉનને કારણે જ્વેલર્સની દુકાનો બંધ રહેતા અખાત્રીજના દિવસે સોના-ચાંદીના દાગીના કે સિક્કાની ખરીદ-વેચાણ થઇ શક્યુ ન હતુ, પરંતુ આ વખતે કોઇ પ્રકારના પ્રતિબંધો ન હોવાથી જ્વેલર્સની દુકાન સોના-ચાંદીના બજારોમાં અખાત્રીજના શુભમુહુર્તે ખરીદી માટે સવાર થી ગ્રાહકોની ભીડ જાેવા મળી છે.

શહેરમાં અનેક નામાંકીત જ્વેલર્સની દુકાનો આવેલી છે. ત્યારે વડોદરાના અલકાપુરી,બીપીસી રોડ. દાંડિયા બજાર, માંડવી રોડ સહિત વિસ્તારોમાં આવેલ જ્વેલર્સની દુકાનો અને શો રૂમમાં સોના-ચાંદીની ખરીદી કરવા સવાર થી ભીડ જાેવા મળતા વેપારીઓ ખુશ ખુશાલ જાેવા મળ્યા હતા.અખાત્રીજના શુભ મુહુર્તે લોકોએ સોના-ચાંદીની ખરીદીની સાથે મોટી સંખ્યામા નવા વાહનોની ખરીદી પણ કરી હતી.

વડોદરાના દાંડિયાબજાર સ્થિત ગણદેવી કર જ્વેલર્સના સુનિલભાઈ ગણદેવીકરે જણાવ્યુ હતુ કે, કોરોના મહામારી અને લોકડાઉનના કારણે લોકો અખાત્રીજના શુભ મુહુર્તે સોના-ચાંદીની ખરીદી કરી શક્યા ન હતા.પરંતુ આ વર્ષે બજાર ઘણુ સારૂ છે.લોકો ખરીદી કરી રહ્યા છે. સાથે ગઈકાલે સોનાનો ભાવ રૂા.૫૪૦૦૦ની આસપાસ હતો તેમા આજે ઘટાડાની સાથે ૫૩૦૦૦ જેટલો થયો છે.જાેકે લોકો સોના ની સાથે ચાંદીની પણ ખરીદી કરી હતી.જેમા જ્વેલરી ઉપરાંત સોના-ચાંદીના સીક્કાની ખરીદી લોકો એ કરી હતી.જ્વેલર્સને ત્યા સવાર થી મોડી સાંજ સુઘી લોકોની ભીડ જાેવા મળી હતી. એક અંદાજ મુજબ વડોદરામાં અખાત્રીજના શુભ મુહુર્તે લોકોએ રૂા. ૭૦ થી ૮૦ કરોડના સોના ચાંદીની ખરીદી કરી હતી.