મહુધા : મહુધાનું અલીણા ગામ વસ્તી અને વિસ્તાર બંને રીતે તાલુકાનું સૌથી મોટું ગામ છે. આ ગામમાં સ્વચ્છતાને સંદર્ભે નાગરિકો અવાર-નવાર રજૂઆતો કરતાં હતાં. તેમજ ગામમાં ગંદકીનું પ્રમાણ ખૂબ જ વધી ગયુ હતું. આવા સમયે આજે મહુધા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ બાબતમાં અગંત રસ દાખવી ગામમાં સફાઈ અભિયાન શરૂ કરાવ્યુ હતું. 

ટીડીઓ દ્વારા ગામમાં પહોંચી ૪ જેસીબી મશીન અને ૬ ટ્રેક્ટરો મારફતે ગામમાં સફાઈ કામગીરીની શરૂઆત કરાવાઈ હતી. ખુલ્લી ગટરો અને ગંદકીના ઢગલાં હટાવવા માટે આદેશ કરાયા હતા. આ કામગીરીમાં ગ્રામજનોએ પણ ઉત્સાહભેર સાથ આપ્યો હતો. તેમજ ગામને ગંદકી મુક્ત બનાવવા માટે નિર્ધાર કર્યો હતો.

આ સાથે જ તાલુકા વિકાસ અધિકારીએ સફાઈ કર્મીઓને સફાઈ પૂર્ણ ન થાય ત્યાં સુધી અભિયાન ચાલુ રાખવા માટે સૂચના અપાઈ હતી. ટીડીઓ સાથે આ સંદર્ભે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મહુધા તાલુકાનું સૌથી મોટું ગામ અલીણા છે. જ્યાં ૧૦ હજારથી વધુ વસ્તી છે. ત્યારે આ ગામમાં ગંદકીની સમસ્યા વકરી હતી. તેની ફરિયાદો મળતા આ ગામને સંપૂર્ણ સ્વચ્છ કરવા માટે કર્મચારીઓને સૂચના આપી છે.