સુરતથી દુબઇ, શારજાહની તમામ ફ્લાઇટો અચોક્કસ મુદત માટે સ્થગિત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2026  |   3465

સુરત, આજે શનિવારે બપોરથી ઇઝરાયેલ-અમેરિકાએ સંયુક્ત પણે ઇરાનનાં અનેક શહેરો પર મિસાઇલોથી હુમલો કર્યો હતો. વળતા જવાબમાં ઇરાને મિડલ ઇસ્ટનાં અમેરિકાનાં સાથી હોય તેવા અનેક દેશો પર મિસાઇલો છોડતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)નાં દુબઇ, શારજાહ, અબુધાબી સહિતના મહત્વનાં એરપોર્ટ પર જતી અને ત્યાંથી ભારત આવતી તમામ ફ્લાઇટો પર બેમુદતી રોક લગાડી દેવામાં આવી છે. મિડલ ઇસ્ટનાં આકાશ પરથી નાગરિક ઉડ્ડયનની તમામ ફ્લાઇટોને સ્થગિત કરી દેવામાં આવી છે. ઇરાન અને ઇઝરાયેલ-અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને પગલે ઇન્ટરનેશનલ એર સર્કિટમાં ખાસ કરીને મિડલ ઇસ્ટમાં ભારે ઉથલપાથલ મચી જવા પામી છે. સૌથી માઠી અસર સિવિલ એવિએશનની સેવાઓ પર પડી છે. સુરતથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ જ્યાં જ્યાં રવાના થાય છે એવા દુબઇ, શારજાહનાં એરપોર્ટ પર બપોરે ૨ વાગ્યાથી જ તમામ ઓપરેશન્સ બંધ કરી દેવામાં આવ્યા છે. સુરતથી દુબઇ અને શારજાહની ફ્લાઇટનું સંચાલન કરી રહેલી બંને એરલાઇન્સ એર ઇન્ડિયા એક્ષપ્રેસ તેમજ ઇન્ડિગોએ મિડલઇસ્ટ તરફ જતી અને ત્યાંથી આવતા ભારતની તમામ એરપોર્ટની ફ્લાઇટ્સ બેમુદતી અટકાવી દેવાની જાહેરાત કરી છે. બંને એરલાઇન્સે આગામી દિવસોમાં સુરતથી દુબઇ કે શારજાહ જનારા મુસાફરોને સૂચના આપી છે કે ઘરેથી એરપોર્ટ માટે નીકળવા પહેલા પોતાની ફ્લાઇટ્સનું સ્ટેટસ તપાસી લેવું ફ્લાઇટ્સ શિડ્યુલ હોય તો જ ઘરેથી એરપોર્ટ માટે નીકળવું. ઇરાન અને ઇઝરાયેલા-અમેરિકા વચ્ચેનું યુદ્ધ કેટલું લાંબુ ચાલશે અને ક્યાં સુધી એરસ્ટ્રાઇપ્સ તેમજ એરપોર્ટ સેવાઓ બંધ રહેશે એ અંગે કશું કહી શકાય તેમ નથી. આથી યાત્રીઓને પોતાની ફ્લાઇટ્સનું સ્ટેટસ જાણ્યા વગર એરપોર્ટ પર ન પહોંચવા માટે સલાહ આપવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution