કચ્છ (ભુજ ),તા.૫
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક આજે ૫ નવેમ્બરના રોજ સવારે ૯ઃ૦૦ કલાકે શરૂ થઈ હતી. આ બેઠકનું આયોજન કચ્છી લેવા પટેલ સમાજ, ભુજ (જિ.કચ્છ, ગુજરાત) સ્થિત સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે કરવામાં આવ્યું છે. સભાની શરૂઆત માતૃશ્રી ધનબાઈ પ્રેમજી ગાંગજી ભુડિયા કોમ્યુનિટી હોલમાં સર સંઘચાલક ડો. મોહનજી ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજી દ્વારા ભારત માતાના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી.આ બેઠકમાં સંઘના દ્રષ્ટિકોણથી ૪૫ પ્રાંતો અને ૧૧ ક્ષેત્રોના સંઘચાલક, કાર્યવાહક, પ્રચારક, અખિલ ભારતીય કાર્યકારીણી સદસ્ય અને કેટલાક વિવિધ સંગઠનોના અખિલ ભારતીય સંગઠન મંત્રીઓ સહિત દેશભરમાંથી લગભગ ૩૮૨ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. બેઠકની શરૂઆત કરતા, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજી ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું.દેશ અને સમાજ માટે વિશેષ યોગદાન આપનાર અને તાજેતરના ભૂતકાળમાં અવસાન પામેલ તમામ મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તાજેતરમાં ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, નાગપુરમાં આવેલા પૂર અને તેનાથી પ્રભાવિત સમાજના વિવિધ લોકો માટે સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલી મદદ અને સેવાકીય કાર્યો વિશે માહિતી આ બેઠકમાં આપવામાં આવી હતી.આ બેઠકમાં સંઘ શતાબ્દીની દ્રષ્ટિએ, કાર્યવિસ્તાર માટે બનાવેલ યોજનાની સમીક્ષા કરવામાં આવશે અને સંઘ પ્રશિક્ષણ અભ્યાસક્રમના વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, સરસંઘચાલકજીના વિજયાદશમીના સંબોધનમાં ઉલ્લેખિત વિષયો - પ્રકૃતિ વિરુદ્ધ જીવનશૈલી, વિશ્વ પર આબોહવા પરિવર્તનની અસર, સુરક્ષા, સ્વઆધારિત યુગાનુકૂલ નીતિ વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવશે. સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, ગૌસેવા, ગ્રામ વિકાસ અને અન્ય ગતિવિધિઓમાં ચાલી રહેલા પ્રયાસોની માહિતી લેવામાં આવશે.