મુંબઈ-

એમેઝોન પ્રાઈમ પાસે કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે વિવાદાસ્પદ વેબ સિરિઝ તાંડવ બાબતે જવાબ માંગ્યો છે. વેબ પોર્ટલે આ સિરિઝની સામગ્રી યાને કન્ટેન્ટ બાબતે સરકારને આજે જવાબ આપવાનો છે.  અનેક સામાજીક સંગઠનો અને ભાજપના નેતાઓ જેના પર પ્રતિબંધ મુકવાની માંગ કરી રહ્યા છે, એ 'તાંડવ' વેબ સિરીઝ રિલીઝ થતાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો છે. દરમિયાનમાં રવિવારે આ સિરિઝ સામે મુંબઈમાં ફરિયાદ નોંધાતાં અને માહિતી પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખીને ફરિયાદ મોકલાતાં  માહિતી પ્રસારણ મંત્રાલય ખાતું સક્રિય થઈ ગયું છે અને  'તાંડવ' વેબ સિરીઝ અંગે એમેઝોન પાસેથી સ્પષ્ટતા માંગી છે. મંત્રાલયે એમેઝોન પ્રાઈમને આજે એટલે કે સોમવારે 'તાંડવ' વેબ સિરિઝના કન્ટેન્ટ અંગે જવાબ આપવા કહ્યું છે.

તાંડવ સિરિઝનો વિવાદ શું છે

શુક્રવારે અભિનેતા સૈફ અલી ખાન-ડિમ્પલ કાપડિયા અને અલી ઝીશાન આયુબ સ્ટારર વેબ સિરીઝ 'તાંડવ' રિલીઝ થઈ છે. આ સિરીઝમાં કેટલાક સીન રિલીઝ થયા બાદ ઘણા લોકો વાંધા નોંધાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વિભાગે 'તાંડવ' સામે વિરોધનો મત એકઠો કરવાનું શરૂ કર્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સિરીઝમાં ઝીશાન આયુબે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે. આને કારણે,બોયકોટ તાંડવ ટ્રેન્ડ કરાવવામાં આવી રહ્યું છે.

મુંબઈમાં ભાજપના નેતાની ફરીયાદ

ભાજપ સાંસદ મનોજ કોટકે કહ્યું છે કે, આ સિરીઝ દ્વારા હિન્દુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આ સિરીઝના મેકર્સ અને એક્ટર્સ સામે કેસ નોંધવામાં આવે. તેમણે આ મામલે માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પણ પત્ર લખ્યો હતો. જેમાં સિરીઝ પર એક્શન લેવાની વાત કરવામાં આવી છે. આ પહેલા મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય રામ કદમે સૈફ અલી ખાન પર નિશાન સાધતા કહ્યું હતું કે તે ફરી એકવાર વેબ સીરીઝનો ભાગ બન્યા છે જેમાં હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. આ અંગે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

શું છે વિવાદનું કારણ

'તાંડવ'ના કેટલાંક દ્રશ્યો બાબતે લોકોએ સોશિયલ મીડિયા પર જોરદાર વાંધો ઉઠાવ્યો છે.ઝીશાન આયુબનો વીડિયો શેર કરીને 'તાંડવ' વેબ સિરિઝનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં આયુબ ભગવાન શિવ બનીને અભિનય કરી રહ્યો છે. તે વીડિયોમાં ઝીશાન કેમ્પસના વિદ્યાર્થીઓની આઝાદીની વાત કરી રહ્યો છે. તે કહી રહ્યો છે કે આ વિદ્યાર્થીઓને દેશમાં રહીને સ્વતંત્રતા જોઈએ છે, દેશમાંથી સ્વતંત્રતા નથી જોઈતી. 

પોલિટિકલ ડ્રામા પર આધારિત 'તાંડવ'માં મુખ્ય ભૂમિકામાં ઘણા મોટા કલાકારો છે જેમાં સૈફ અલી ખાન, ઝિશાન આયુબ સાથે ડિમ્પલ કાપડિયા, દિનો મોરિયા, તિગ્માંશુ ધુલિયા, સુનીલ ગ્રોવર અને ગૌહર ખાન છે. આ વેબ સિરીઝને ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી છે. હાલમાં સોમવારે માહિતી પ્રસારણ મંત્રાલયે એમેઝોન પાસે જવાબ માંગ્યો છે.