લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, એપ્રીલ 2026 |
2178
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મહેસૂલ તંત્ર માં પ્રવર્તતી જટિલતાઓ દૂર કરીને પારદર્શિતા લાવવા તેમજ સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓને દૂર કરવા એક ક્રાંતિકારી ર્નિણય કર્યો છે. આ ર્નિણય અંગે માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મહેસૂલી સરળીકરણ માટે “જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯”ની કલમ ૧૩૫-ડીની જાેગવાઈમાં મહત્વપૂર્ણ સુધારા કરાયા છે. આ સુધારાથી હવે કાયદેસરના જમીન અથવા મિલકતના વ્યવહારોમાં નાગરિકોને ૩૦ દિવસની નોટિસના સમયગાળાની રાહ જાેવા માંથી મુક્તિ મળશે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જમીન કે મિલકતના વેચાણ વ્યવહારોમાં ૩૦ દિવસની ફરજિયાત નોટિસના કારણે સામાન્ય જનતાએ લાંબી રાહ જાેવી પડતી હતી. આ સમયગાળાનો ખોટી રીતે ગેરલાભ લેનાર કેટલાક તત્વો ખોટા વાંધા-વચકા ઉઠાવીને વેચનાર કે ખરીદનાર પાસેથી નાણાં પડાવવા નું (બ્લેકમેલિંગ) કામ કરતા હતા. મુખ્યમંત્રીએ આ જટિલતાને સમજીને ખેડૂતો અને મધ્યમ વર્ગના હિતમાં ૧૩૫-ડીની ૩૦ દિવસની નોટિસની અનિવાર્યતા માંથી મુક્તિ આપવાનો સાહસિક ર્નિણય લીધો છે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, નવા સુધારા પ્રમાણે, રેકોર્ડ પર જમીનમાં છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ફેરફાર નોંધ ન હોય, જમીન પર કોઈ લિટીગેશન કે દાવો પડતર ન હોય અને શાંત કબજાે હોય તેમજ ૭/૧૨ના રેકોર્ડ પર દેખાતા તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરી હોય તેવા વ્યવહારોમાં ૧૩૫-ડીની નોટીસ વગર, તે જ દિવસે વેચાણ દસ્તાવેજની નોંધ પાડવામાં આવશે. આવા કિસ્સાઓમાં ૧૩૫-ડીની નોટિસ બજવવાની પ્રક્રિયા સિવાય સીધી નોંધનો ર્નિણય લેવામાં આવશે અને વેચાણની નોંધ તુરંત પ્રમાણિત કરીને ‘પાકી એન્ટ્રી’ કરવામાં આવશે. આ ઉપરાંત સક્ષમ અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા અપાયેલા હુકમોની નોંધ વખતે પણ હવે ૧૩૫-ડીની નોટીસ બજવવાની રહેશે નહીં, તેની સીધી જ અમલવારી કરવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું. જાે એક વર્ષની અંદર રેકોર્ડમાં કોઈ ફેરફાર થયો હોય, વેચાણ પાવર ઓફ એટર્ની (પીઓએ) દ્વારા કરાયું હોય, ૭/૧૨માં દેખાતા તમામ વ્યક્તિઓની દસ્તાવેજમાં સહી ન હોય અથવા કોઈ કેસ પેન્ડિંગ હોય તેવા તપાસની જરૂરિયાતવાળા કિસ્સામાં નોટિસનો સમયગાળો ૩૦ દિવસથી ઘટાડીને માત્ર ૭ દિવસ કરાયો છે. આ ૭ દિવસમાં સાચા હકદારો પોતાના આધાર-પુરાવા રજૂ કરી શકશે, જેથી કોઈને અન્યાય ન થાય. આ સુધારાઓથી રાજ્યના ખેડૂતો, મિલકત ખરીદનારાઓ અને સામાન્ય જનતાને બિનજરૂરી કાયદાકીય ગૂંચવણ અને વિલંબમાંથી કાયમી મુક્તિ મળશે. સાથે જ, સીધી લીટીના વારસદારો વચ્ચે થતી તબદીલીમાં પણ હવે બિનજરૂરી હેરાનગતિ બંધ થશે, તેમ તેમણે જણાવ્યું હતું. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, આ સુધારો માત્ર ખેતીની જમીન માટે જ નહીં, પરંતુ દુકાન, ફ્લેટ અને રહેણાંકના મકાનો લેતી સામાન્ય જનતા માટે પણ આશીર્વાદરૂપ છે. સીધી લીટીના વારસદારોના વ્યવહારોમાં પણ હવે સરળતા રહેશે. રેવન્યુ કોર્ટમાં મામલતદારથી લઈને એસએસઆરડી સુધી ચાલતા કેસો, જે માત્ર ૧૩૫-ડીના વાંધાને લીધે વિલંબમાં હતા, તેનો ઝડપથી નિકાલ આવશે. ભવિષ્યમાં તકરારી કેસો ખૂબ ઘટશે અને સૌથી મહત્વપૂર્ણ મિલકતના ભાવ વધતા કેટલાક લોકો જૂના બાનાખત-કાચી ચિઠ્ઠીના આધારે ખોટા વાંધા ઉઠાવીને રકમ પડાવતા હતા, તે બ્લેકમેલિંગ પણ હવે બંધ થશે. પરિણામે ખરીદનાર અને વેચનાર હવે કોઈપણ ડર વગર ર્નિભય થઈને વ્યવહાર કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ ર્નિણય મહેસૂલી પ્રક્રિયાને વધુ પારદર્શક, સમયબદ્ધ અને અસરકારક બનાવશે, જેનો સીધો લાભ રાજ્યના લાખો નાગરિકોને મળશે.