/
અમિત શાહે 294 વિધાનસભા બેઠકોમાંથી 200 બેઠકો જીતવાનો લક્ષ્યાંક બનાવ્યો

કોલકત્તા-

પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે હલચલ તેજ થઇ ગઇ છે. ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના બંગાળ પ્રવાસ પર પહોંચ્યા છે. આ સમય દરમિયાન અમિત શાહે 294 વિધાનસભા બેઠકોમાંથી 200 બેઠકો જીતવાનો લક્ષ્યાંક બનાવ્યો. તેમણે એમ પણ કહ્યું કે બંગાળમાં આ વખતે પરિવર્તન થવાનું છે. જાે કે તેની સાથે એ પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું બંગાળના મમતા રાજમાં ભાજપ માટે આ લક્ષ્યાંક હાંસલ કરવો શક્ય છે? અમિત શાહે આની પાછળ 2019ની લોકસભાની ચૂંટણીનો તર્ક આપ્યો છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 42 માંથી 22 બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. પાર્ટીએ આ ચૂંટણીમાં 18 બેઠકો જીતી હતી. અમિત શાહે એમ પણ કહ્યું કે બંગાળની પ્રજાને મમતા સરકાર પ્રત્યે નારાજગી છે. બંગાળની જનતા ભાજપ સરકાર પર વિશ્વાસ ધરાવે છે.

તેમણે ભાજપના કાર્યકરોને મમતા સરકારને જડમૂળથી કાઢવાનું આહ્વાન કર્યું છે. પૂર્વ ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે ‘લોકો હસતા હતા જ્યારે મેં કહ્યું હતું કે 2019 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ બંગાળમાં 20-22 બેઠકો જીતશે અને અમે લગભગ તે લક્ષ્યની આસપાસ પહોંચી ગયા હતા. આજે પણ હું બાંકુરાને કહું છું કે હવે ભાજપ બંગાળમાં 200 થી વધુ બેઠકો જીતીને સરકાર બનાવા જઇ રહ્યુંછે. જેને હસવું હોય તે હસે, આપણે પ્રામાણિકતાથી કામ કરવાનું છે. અમિત શાહે કહ્યું કે તેઓ મમતા બેનર્જી સરકાર સામે લોકોની નારાજગીને મહેસૂસ કરી શકે છે. તેની સાથે જ તેમણે લોકોને 2021માં તૃણમૂલ સરકારને જડમૂળથી કાઢવાનું આહ્વાન કર્યું. પુઆબાગાનમાં આદિવાસી આઇકન બિરસા મુંડાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા બાદ શાહે કહ્યું, ‘ગઈકાલે (બુધવાર) થી હું બંગાળમાં છું.

હું જ્યાં ગયો ત્યાં ઉષ્માભેર સ્વાગત થયું. આ સરકારની સામે લોકોનો ભારે રોષ છે અને મોદી સરકારમાં મજબૂત વિશ્વાસ છે. ગુરુવારે અમિત શાહે બાંકુરામાં ભાજપની સંગઠન બેઠકમાં ભાગ લીધો હતો. દરમિયાન શાહે ભાજપ કાર્યકરોને સખત મહેનત કરવાનો સંકલ્પ લેવાનું આહ્વાન કર્યું જેથી કરીને 200 બેઠકોનો લક્ષ્યાંક પૂરો થઈ શકે. બેઠકમાં તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપ રાજ્ય એકમને સત્તા પર આવવા માટે તૃણમૂલ કોંગ્રેસ સામે આકરો મુકાબલો કરવો પડશે. જાે કે, ભાજપ માટે 200 બેઠકોનો લક્ષ્યાંક એટલો સરળ નથી. એ સાચું છે કે બંગાળમાં રાજકીય હિંસા અને ભાજપના કાર્યકરોની હત્યા મામલે મમતા સરકાર ખુલ્લી પડી ગઇ છે, પરંતુ બંગાળમાં ઘૂસવાની ભાજપની દરેક વ્યૂહરચના અંગે પણ તે જાગ્રત છે. તેઓ ભાજપના દરેક પગલાને માત આપી આગળ વધી રહ્યા છે. અમિત શાહે ગુરુવારે આદિજાતિ અને શરણાર્થી પરિવારો સાથે ભોજન લીધું હતું. બીજી તરફ, મમતા બેનર્જીએ નવાન્નમાં આદિવાસી, પછાત અને અનુસૂચિત જાતિના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને તેમના માટે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution