વડોદરા, તા.૨

વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો રોડ-શો ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે યોજાયો હતો. અપ્સરા સિનેમાથી શરૂ થયેલ ભવ્ય રોડ-શોમાં હજારોની સંખ્યામાં લોકો જાેડાયા હતા અને ઠેર-ડેર પુષ્પવર્ષા કરીને તેમને આવકાર્યા હતા. જાે કે, રોડ-શો અઢી કલાક મોડો શરૂ થયો હતો અને માંડવી પસાર કરીને કલ્યાણપ્રસાદ સુધી પહોંચતાં ગૃહમંત્રીને અમદાવાદ ખાતે સભા સંબોધવા જવાનું હોવાથી રોડ-શોમાંથી ઉતરીને અમદાવાદ જવા રવાના થયા હતા.

ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વડોદરાના પ્રતાપનગર અપ્સરા સિનેમા પાસેથી રોડ-શો યોજ્યો હતો. વડોદરાની પાંચ બેઠક પર ભાજપના ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલ ભવ્ય રોડ-શો ગૃહમંત્રી વિજાપુરમાં સભા સંબોધીને વડોદરા રોડ-શોમાં ઉપસ્થિત રહેવા માટે આવ્યા હતા. જાે કે, ૪ વાગે શરૂ થનારો રોડ શો સાંજે લગભગ ૬.૩૦ કલાકે શરૂ થયો હતો. રોડ-શોમાં હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો, લોકો કમળના નિશાન સાથે ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીનું ઠેર-ઠેર પુષ્પવર્ષા કરીને સ્વાગત કરાયું હતું. તો બીજી તરફ અમિત શાહે પણ લોકો તરફ પુષ્પવર્ષા કરીને અભિવાદન ઝીલ્યું હતું.

અમિત શાહનો રોડ શો પ્રતાપનગર, માંડવી, ફતેપુરા, કોયલી ફળિયા થઈને જ્યુબિલીબાગ પૂર્ણ થવાનો હતો, પરંતુ કલ્યાણપ્રસાદ પાસે તેઓ રોડ-શોમાંથી ઉતરી ગયા હતા અને પૂ.ગો.૧૦૮ દ્વારકેશલાલજીના આશીર્વાદ લઈને અમદાવાદ ખાતે તેમની સભા હોઈ ત્યાં જવા રવાના થયા હતા. જેથી ભાજપના ઉમેદવારોએ અમિત શાહ વિના રોડ-શો પૂરો કર્યો હતો.