વડોદરા

વડોદરા નજીક આસોજ ગામના નાળામાં મહાકાય મગર આવી જતાં ઈજાગ્રસ્ત થયેલા ૧૧ ફૂટ લાંબા અને ૪૦૦ કિલો વજનના મહાકાય મગરને જીવદયા સંસ્થા અને વન વિભાગની ટીમે સંયુક્ત રીતે ભારે જહેમતે રેસ્કયૂ કરીને વન વિભાગના હવાલે કશ્વો હતો. આ મહાકાય મગરને જાેવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

આજે સવારે ૮.૩૦ કલાકની આસપાસ આસોજ ગામમાં એક કન્સ્ટ્રકશનની સાઈટ પર ચાલી રહેલી કામગીરી દરમિયાન નાળામાં ૧૧ ફૂટ લાંબો મગર ફસાયેલો જાેવા મળતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મહાકાય મગરને રેસ્કયૂ કરવા માટે પ્રાણીપ્રેમી હેમંત વઢવાણાની ટીમનો સંપર્ક કરવામાં આવતાં સંસ્થાના કાર્યકરો તરત જ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને રેસ્કયૂની કામગીરી શરૂ કરી હતી. મગરને રેસ્કયૂ કરવા માટે હેમંત વઢવાણાની ટીમ અને વન વિભાગની ટીમે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી હતી અને ૧૧ ફૂટ લાંબા તેમજ ૪૦૦ કિલો વજનના મહાકાય મગરને જેસીબીની મદદથી સાવચેતીપૂર્વક રેસ્કયૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. બે કલાકની જહેમત બાદ મહાકાય મગરને સુરક્ષિત રીતે રેસ્કયૂ કરાયો હતો. જાે કે, મગરને નાકના ભાગે નાળામાં ફસાઈ જવાથી ઈજાઓ થઈ હતી. મગરને રેસ્કયૂ કરીને વન વિભાગના હવાલે કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ઉપરાંત આસપાસના ઢાઢર નદી સહિત નદી-નાળા, તળાવોમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરતા હોય છે તેમજ અનેક વખત રહેણાંક વિસ્તારોમાં આવી જવાના બનાવો બનતા રહે છે.