સુરત-

સુરતના કીમ ચાર રસ્તા પાસે થયેલા એક ગોઝારા અકસ્માતમાં 15 શ્રમજીવીઓનાં મોત થયા છે. આ ગોઝારા અકસ્માતમાં ગટરના ઢાંકણા પર સૂઈ રહેલા મજૂરો પર ડમ્પર ફરી વળતાં એક બાળક સહિત 15 જણાંનાં કરૂણ મોત થયા છે જ્યારે બીજા અનેકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. 

આ કરૂણ અકસ્માતના બનાવની વિગત મુજબ, કીમ ચાર રસ્તા પાસે રાજસ્થાનથી આવેલા કેટલાંક શ્રમજીવીઓ ગટરના કવરો પર સોમવાર મધ્યરાત્રીના સમય બાદ ગાઢ નિદ્રામાં હતા તે સમયે કીમ હાઈવે થી માંડવી તરફ જઈ રહેલું એક ડમ્પર સામેથી આવી રહેલા શેરડી ભરેલા ટ્રેક્ટરની સાથે ભટકાયું હતું અને સીધું આ મજૂરોના પરીવારો પર ચડી જતાં એક બાળક સહિત 15નાં મોત નિપજ્યા હતા. આ બનાવને પગલે કંપારી છૂટી જાય એવા દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવમાં ગંભીર ઈજા પામેલા લોકોને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા છે અને તેમાંના અનેકની હાલત નાજુક જોતાં મોતનો આંકડો વધે તેવી શક્યતા જોવાઈ રહી છે.