મુંબઈ-

શિલ્પા શેટ્ટીના પરિવારની મુશ્કેલીઓનો અંત આવતો નથી. તેના પતિ રાજ કુન્દ્રા પોર્ન વીડિયો કેસમાં ફસાયા છે. હવે લખનૌમાં શિલ્પા અને તેની માતા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. બંને પર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, પોલીસ તેની પૂછપરછ કરવા માટે ટૂંક સમયમાં મુંબઈ પહોંચી શકે છે. પોર્ન વીડિયો કેસમાં શિલ્પાના પતિ રાજ કુન્દ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી.

હાલમાં શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રાના કેસનો સામનો કરી રહી છે જ્યાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે કુન્દ્રાની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરી છે. કેસના ખુલાસા પછી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ શિલ્પા સહિત અનેક કલાકારો પાછળ લાગેલી છે, એવામાં શિલ્પા શેટ્ટી લોકટીકાનો પણ ભોગ બની રહી છે. આવા કપરા સમયે શિલ્પાને રાહત મળે એ પહેલા જ તેની અને માતા સુનંદા શેટ્ટી વિરુદ્ધ લખનઉના વિભૂતિ ખંડ અને હજરતગંજમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે હજરતગંજ પોલીસ અને વિભૂતિખંડ પોલીસે શિલ્પા અને તેની માતાની પૂછપરછ માટે નોટિસ મોકલી છે. પરંતુ આ કેસમાં તેમના તરફથી કોઇ જવાબ આવ્યો નથી. ડીસીપી (પૂર્વ) સંજીવ સુમનનું કહેવું છે કે પોલીસ અધિકારીઓ આ કેસમાં પૂછપરછ માટે સોમવારે મુંબઈ જવા રવાના થશે. આ કેસના તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે. મામલો હાઇપ્રોફાઇલ હોવાથી પોલીસ દરેક મુદ્દાની નજીકથી તપાસ કરશે.