આણંદ, તા.૯ 

આણંદ શહેર સહિત જિલ્લામાં કોરાના વાઇરસનું સંક્રમણ રોજેરોજ રોકેટગતિએ વધી રહ્યું છે. આજે જિલ્લામાં વધુ ૧૧ પોઝિટિવ કેસો આવતાં અફરાંતફરી મચી ગઈ છે. આ ૧૧ પોઝિટિવ કેસમાં આણંદ શહેરમાં જ ચાર કેસ પોઝિટિવ આવતાં તંત્ર સાવચેત થઈ ગયું છે. અન્ય કેસમાં બોરસદ, પેટલાદ, સુરકુવા, બાકરોલ, હાડગુડ, ખંભોળજ અને નાપાડવાંટામાં એક-એક કેસ નોંધાયાં હતાં. આજે આવેલાં ૧૧ કેસમાં આણંદ જિલ્લા ભાજપના મહામંત્રી સુભાષ બારોટ પણ કોરોનાની ઝપટમાં આવી ગયાં હતાં.

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યાં અનુસાર, આજે આણંદ શહેરની ખોજા સોસાયટીમાં રહેતાં ૬૭ વર્ષના પુરુષ અને ૬૭ વર્ષના મહિલા, ટીબી હોસ્પિટલ પાછળ આવેલાં અલીફ પાર્ક સોસાયટીમાં રહેતાં ૬૬ વર્ષના પુરુષ, જકાતનાકા પાસે આવેલી અલ રહેમાન સોસાયટીમાં રહેતાં ૬૪ વર્ષના મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સિવાય બોરસદની ગંગાબા પાર્ક સોસાયટીમાં રહેતાં અને આણંદ જિલ્લા ભાજપના મહામંત્રી સુભાષભાઈ બારોટ (ઉં.૬૪), બોરસદ તાલુકાના સુરકુવા ગામના સમડીવાળા ફળિયામાં રહેતાં ૫૭ વર્ષના મહિલા, પેટલાદ શહેરના કાજીવાડા ખાતે રહેતાં ૫૭ વર્ષના મહિલા, હાડગુડ ગામની વ્રજકુટીર સોસાયટીમાં રહેતાં ૭૧વર્ષના વૃદ્ધ, નાપાડવાંટાની અલહાજરા મુરાની સોસાયટીમાં રહેતાં ૪૫ વર્ષના આધેડ, વિદ્યાનગરના બાકરોલ રોડ ઉપર આવેલાં ગીરીરાજ પાર્કમાં રહેતાં ૪૫ વર્ષના આધેડનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

હાલ આ બધા દર્દીઓને કરસમદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ, આણંદની જનરલ હોસ્પિટલ સહિત વિવિધ જગ્યાએ સારવાર માટે દાખલ કરાયાં હતાં. વિવિધ નગરપાલિકા, આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમો વિવિધ સ્થળો પર પહોંચી જઈને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. તમામ વિસ્તારોને સેનિટાઇઝ કરીને દર્દીઓના નજીકના સંપર્કો અને પરિવારના સભ્યોને હોમ ક્વોરન્ટીન કરી દીધાં હતાં. આ તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. જરૂર જણાશે તે વ્યક્તિનો રિપોર્ટ પણ કાઢવામાં આવશે. સાથે સાથે વહીવટી તંત્રએ આ તમામ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કયાર્ હતાં. આણંદ શહેર અને જિલ્લામાં હવે કોરોના પગપેસારો કરી રહ્યો હોય ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે.

આજે આવેલાં ૧૧ દર્દીઓમાં ૪ વેન્ટિલેટર પર, ૪ ઓક્સિજન પર રખાયાં!

આજે આવેલાં ૧૧ દર્દીઓ પૈકી ચાર વેન્ટિલેટર પર, ચાર સ્ટેબલ અને ૩ને ઓક્સિજન પર રાખવામાં આવ્યાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૨૮૬ પર પહોંચી ગયો છે.

જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યાં ૪૨ થઈ!

આજે નવાં ૧૧ પોઝિટિવ દર્દીઓ સાથે જિલ્લામાં કુલ એક્ટિવ દર્દીની સંખ્યા ૪૨ થઈ ગઈ છે. હાલ ૪ દર્દીને વેન્ટેલેટર પર, ૩૨ને ઓક્સિજન પર અને ૬ દર્દીની હાલત સ્ટેબલ છે.